કાર્યવાહી:બે શોપિંગ સેન્ટર ભયજનક હોવાનો રિપોર્ટ આવતાં પાલિકા 15 દિવસમાં નિર્ણય કરશે

મહેસાણા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહાત્મા ગાંધી શોપિંગ - Divya Bhaskar
મહાત્મા ગાંધી શોપિંગ
  • મહેસાણા પાલિકાના મહાત્મા ગાંધી અને રાજમહેલ રોડ શોપિંગ સેન્ટર 60 થી 70 ટકા ડેમેજ
  • ​​​​​​​તે પહેલાં 317 વેપારીઓને દુકાનોનો ઉપયોગ બંધ કરવા નોટિસ આપશે

મહેસાણા શહેરના મુખ્ય બજાર વિસ્તારમાં પાલિકાએ બનાવેલા વર્ષો જૂના મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટર અને રાજમહેલ રોડ શોપિંગ સેન્ટર 60 થી 70 ટકા ખખડધજ હોવાના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ આવતાં નગરપાલિકા અને સત્તાધિશો વિમાસણમાં મૂકાયા છે અને હજુ આગળ સ્પષ્ટ શું નિર્ણય કરવો તે માટે સ્ટ્રક્ચરલ એન્જિનિયર, પાલિકાના ઇજનેરો, પદાધિકારીઓ સાથે બેઠક યોજી અભ્યાસ કરી 15 દિવસમાં નિર્ણય પર આવશે તેવું અધિકારી સૂત્રો કહી રહ્યા છે. જોકે, આ દરમિયાન પાલિકાએ બંને શોપિંગ સેન્ટરના વેપારીઓને ઉપયોગ બંધ કરવા માટે નોટિસ બનાવવાની તૈયારી શરૂ કરી છે. બીજી બાજુ, પાઘડીપ્રથાથી ભાડાની દુકાનોના વેપારીઓનું શું, કોઇ વૈકલ્પિક વ્યવસ્થાને અવકાશ છે કે કેમ તેને લઇ હજુ અસમંજસની સ્થિતિ છે.

બંને શોપિંગ સેન્ટરના બિલ્ડિંગોનાં સ્ટ્રક્ચર 60 ટકાથી વધુ ડેમેજ હોવાનો રિપોર્ટ આવ્યો છે. આ સ્થિતિમાં પાલિકા ઊંઘતી રહે અને રખે ને કંઇ થાય તો જવાબદાર કોણ તેને લઇ સવાલો ચર્ચાઇ રહ્યા છે. પાલિકા માથે રાખવાના મૂડમાં ન હોઇ સૌ પ્રથમ વેપારીઓને નોટિસ આપી જાણ કરવાની તૈયારીમાં તંત્ર લાગ્યું છે. પાલિકાના સુમાહિતગાર સૂત્રો મુજબ, બંને શોપિંગ સેન્ટરનો સ્ટ્રક્ચરલ રિપોર્ટ આવી ગયો છે. હવે તમામ શક્યતાઓનો અભ્યાસ કરાશે.

જેમાં સૌપ્રથમ તો હયાત બિલ્ડિંગ મજબૂત થઇ શકે તેમ છે કે નહીં તે વિચારણામાં લેવાશે. આ શક્ય ન થઇ શકે તો શું કરી શકાય તે અંગે આગળ પાલિકા વિચારશે. આ અંગે ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, શહેરીજનો માટે પાલિકા ચિંતિત છે એટલે જ બિલ્ડિંગોનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ ઇજનેર મારફતે તૈયાર કરાવ્યો છે અને સર્ટી કઢાવવાની પ્રક્રિયા ચાલી રહી છે. સ્ટ્રક્ચરલ ઇજનર, પાલિકાના ઇજનેર સૌ આ રિપોર્ટ બાબતે અભ્યાસ કરીશું અને આગામી પંદરેક દિવસમાં કંઇક નિર્ણય પર આવીશું.

આજે પાલિકાની સ્ટ્રક્ચરલ ઇજનેર સાથે બેઠક
વેપારીઓને પત્ર કે નોટિસથી જાણ કરીશું કે 60 થી 70 ટકા બિલ્ડિંગ ડેમેજ છે, વાપરવું નહીં. ગુરુવારે સ્ટ્રક્ચરઇ ઇજનેરને પરામર્શ માટે પાલિકા બોલાવ્યા છે, તેમની સાથે ચર્ચા કરીશું. પછી વેપારીઓ સાથે પણ આગળ શું થઇ શકે તે અંગે બેઠક કરીશું અને કંઇક ઉકેલ પર આવીશું. > કૌશિકભાઇ વ્યાસ, અધ્યક્ષ કારોબારી સમિતિ

જૂના કરારલેખ કે દસ્તાવેજી પુરાવા શોધવા કવાયત
આ બંને શોપિંગ સેન્ટરો વર્ષ 1980 થી 85ના અરસામાં બનેલા હોઇ, જે-તે વખતે હરાજી કે પાઘડીપ્રથાથી ભાડાપટ્ટે દુકાનો આપતી વખતે કરારલેખ કે એગ્રીમેન્ટ કરેલા હશે. જેમાં ભાડૂઆત બાબતે બાંધકામ જર્જરિત થાય તો કોણે શું કરવું તેવો કોઇ ઉલ્લેખ દસ્તાવેજી રેકર્ડમાં છે કે નહીં તેને લઇ વર્ષો જૂના રેકોર્ડની પાલિકા શાખામાં શોધખોળ કરાઇ રહી છે. જોકે, સૂત્રોએ કહ્યું કે, પાલિકામાં આવો કોઇ રેકોર્ડ હાલના તબક્કે હાથ લાગ્યો નથી. ત્યારે જૂના ભાડૂઆત પાસે કોઇ રેકર્ડ હોય તો તેની પણ ચકાસણીની કવાયત પણ આવી શકે છે.

વેપારીઓ હાલના બિલ્ડિંગ પાછળ આવેલી પાર્કિંગની જગ્યામાં નવું બિલ્ડિંગ બનાવવા માંગણી કરી ચૂક્યા છે
મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટરના વેપારીઓએ અગાઉથી આ બિલ્ડિંગ જર્જરિત હોઇ પાછળ હાલની પાર્કિંગની વિશાળ જગ્યામાં નવું બિલ્ડિંગ વેપારીઓ માટે બનાવવા માંગણી પાલિકામાં કરેલી છે.

અન્ય સમાચારો પણ છે...