તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્ર નિદ્રાંધિન:પોસ્ટ ઓફિસના આધાર સેન્ટરોની યાદી સાંસદે ફરતી કરી પણ મહેસાણાનાં બે સેન્ટરોમાં કામ બંધ

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
જનતા સુપર માર્કેટ પોસ્ટ ઓફિસ બ્રાંચ - Divya Bhaskar
જનતા સુપર માર્કેટ પોસ્ટ ઓફિસ બ્રાંચ
  • કર્મચારીઓની બદલીઓમાં આઇડી, પાસવર્ડ બદલાયા ન હોઇ કામ ઘાંચમાં પડ્યું
  • મહેસાણા શહેરમાં જનતા સુપર માર્કેટ અને કોંગ્રેસ ભવનમાં રિયાલિટી ચેક કરતાં બંને પોસ્ટ ઓફિસમાં આધારકાર્ડની કામગીરી બંધ જોવા મળી

મહેસાણા જિલ્લા પોસ્ટ ફોરમ સમિતિની બેઠકમાં પોસ્ટ વિભાગે મહિલા સાંસદને 33 બ્રાન્ચોમાં આધારકાર્ડ કાઢવાની કામગીરી ચાલતી હોવાની યાદી આપી હતી અને લોકોને ઉપયોગી બને તે માટે આ યાદી વાયરલ થઇ છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે, તમામ બ્રાન્ચોમાં આધારકાર્ડ કાઢવા, સુધારા-વધારાની કામગીરી ચાલુ થઇ નથી.

કોંગ્રેસ ભવન પોસ્ટ ઓફિસ બ્રાંચ
કોંગ્રેસ ભવન પોસ્ટ ઓફિસ બ્રાંચ

મહેસાણા શહેરની બે પોસ્ટ ઓફીસની બ્રાન્ચમાં રિયાલિટી ચેક કરતાં બંને જગ્યાએ આધાર કામગીરી બંધ હોવાનું માલુમ પડ્યું હતું અને લોકો પોસ્ટ ઓફિસના પગથિયાં ચઢી પાછા જતાં જોવા મળ્યા હતા. બીજી તરફ પોસ્ટલ સુપ્રિન્ટેન્ડેન્ટ પણ ચોક્કસ કઇ બ્રાન્ચમાં આધાર કામ બંધ છે તેનાથી અજાણ હોય એમ બધી બ્રાન્ચોમાં કામ ચાલુ હોવાનો દાવો કરી રહ્યા છે.

મહેસાણા શહેરની મુખ્ય બજારમાં આવેલા જનતા સુપર માર્કેટ સ્થિત પોસ્ટ ઓફિસમાં તપાસ કરતાં કર્મચારીએ કહ્યું કે, માણસ જ નથી, ક્યાંથી આધારકાર્ડ નીકળે. કેશિયર જ કાયમી નથી તો આધારમાં કોણ હોય. રેગ્યુલર આધારકાર્ડની કામગીરી હેડ ઓફિસની બ્રાન્ચમાં થાય છે. બાકીના સેન્ટરોમાં નક્કી નહીં તેવો જવાબ મળ્યો હતો. અહીં આધારકીટ મશીન પડ્યું હતું, પણ માણસ વગર બિનઉપયોગી છે. સાંજના ઉમિયા બંગ્લોઝમાં રહેતા રામભાઇ પટેલ તેમના પુત્ર માટે આધારકાર્ડ કઢાવવા મોબાઇલમાં 33 સેન્ટરની યાદી લઇને અહીં આવ્યા હતા. તેમને હેડ પોસ્ટ ઓફિસ જવા કહેવાયું હતું. કર્મચારીએ કહ્યું, યાદી આપી છે પણ હાલ ચાલુ નથી.

કોંગ્રેસ ભવનમાં પ્રથમ માળે આવેલી પોસ્ટ ઓફિસમાં તપાસ કરતાં આધારકીટ ઉપર કવર ચઢાવેલું હતું. અહીંના કર્મચારીને પૂછતાં તેમણે કહ્યું કે, ગત સોમવારથી કામગીરી બંધ છે, કર્મચારીના નવા આઇડી, પાસવર્ડ આવે પછી કામગીરી શરૂ થશે. ક્યારે આઇડી આવશે તેવું પૂછતાં એ કહી ન શકાય તેવો જવાબ મળ્યો હતો.

બધા સેન્ટર ચાલુ છે : પોસ્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ
મહેસાણા પોસ્ટલ સુપ્રિન્ટેન્ડેન્ટ આર.એ. ગોસ્વામીને કેટલી બ્રાન્ચોમાં આધાર સેન્ટર ચાલુ અને બંધ છે તે અંગે પૂછતાં પહેલાં તો બધા સેન્ટરમાં ચાલુ છે તેમ કહ્યું. પણ પછી ક્યાંક એકાદ-બે જગ્યાએ ટેકનિકલીમાં બંધ હશે તેમ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...