તપાસ:મોલીપુર આંતરાષ્ટ્રીય ક્રિકેટસટ્ટાનો હવાલો વિસનગરની આંગડિયા પેઢીમાં પડ્યો હતો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોએબના નામે ~3 લાખનો હવાલો પેઢીમાં પડ્યો હોવાનું બહાર આવ્યું
  • ​​​​​​​ચારે આરોપી બે દિવસના રિમાન્ડ પર, એસઓજીએ તપાસ મોલીપુરથી મેરઠ લંબાવી

વડનગર તાલુકાના મોલીપુર ગામેથી ઝડપાયેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટા નેટવર્કમાં રશિયામાં રમાતા સટ્ટાના રૂપિયાનો હવાલો વિસનગરની આંગડિયા પેઢીમાં પડ્યો હોવાનું એસઓજીની તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે સટ્ટા નેટવર્કમાં મેરઠની લીંક બહાર આવતાં પોલીસે તપાસનો દોર ઉત્તર પ્રદેશના મેરઠ સુધી લંબાવ્યો છે. બીજી બાજુ, પોલીસે સોએબ દાવડા, સેફી મહંમદ સાકીબ, ગોલુ મહમદ અને સાદિક દાવડા ચારેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે વધુ તપાસ માટે બે દિવસના રિમાન્ડ પર સોંપ્યા હતા.

ખેતર ભાડે રાખી આઈપીએલની જેમ ટીમો બનાવી મોલીપુર ગામે ક્રિકેટ રમાડી તેનું લાઈવ પ્રસારણ બતાવી રશિયામાં ક્રિકેટ સટ્ટો રમાડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ચલાવનારા 4 આરોપીઓને મહેસાણા એસઓજીએ ઝડપી પાડ્યા બાદ વધુ તપાસમાં રશિયાથી સટ્ટાના નાણાંનો હવાલો વિસનગરની એક આંગડિયા પેઢીમાં પડ્યો હોવાનું ખૂલ્યુંં છે.

બેન્ક એકાઉન્ટ અને પાસપોર્ટની તપાસ હાથ ધરાઈ
એસઓજી પીએસઆઇ વિનોદસિંહ રાઠોડના જણાવ્યા મુજબ, ક્રિકેટ સટ્ટાના નેટવર્કના મુખ્ય સુત્રધાર મોલીપુરના સોયબના ખાતામાં સાડા ચાર લાખ રૂપિયા પડ્યા હોવાથી પોલીસ દ્વારા તેના અને સમગ્ર પરિવારના બેંક એકાઉન્ટ અને પાસપોર્ટની વધુ તપાસ હાથ ધરાઇ છે.

ઉત્તર પ્રદેશના મેરઠના અશોક સરનું નામ ખૂલ્યું
મોલીપુરમા ક્રિકેટમેચનો સટ્ટો વાયા ઉત્તર પ્રદેશના મેરઠ થઈ રમાતો હોવાનું અને જેમાં રશિયન યુવતી સાથે લગ્ન કરીને રશિયામાં આવ-જા કરતો અશોક સર નામના શખ્સનું નામ પણ એસઓજીની તપાસમાં ખૂલ્યું છે.

અન્ય સમાચારો પણ છે...