તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:100 મીટર વરસાદી પાણીની લાઇન દબાઇ જતાં ચોમાસામાં મોઢેરા રોડ પર પાણી ભરાશે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા નગરપાલિકાની બાંધકામ સમિતિની બેઠકમાં વરસાદી પાણીના નિકાલ અંગે ચર્ચા
  • માર્ગ અને મકાન વિભાગ દ્વારા પમ્પિંગથી વરસાદી પાણી નિકાલની વ્યવસ્થા કરાશે : ઇજનેર

મહેસાણાના મોઢેરા રોડ પર સર્કલથી દેદિયાસણ જીઆઇડીસી તરફની અંડર ગ્રાઉન્ડ વરસાદી પાણીની લાઇન ફિજિયોથેરાપી સેન્ટર પાસે દબાઇ ગઇ હોઇ ચોમાસામાં રોડ ઉપર પાણી ભરાઇ રહેશે. જેનાથી ચિંતિત રહીશોએ સત્તાધિશોનું ધ્યાન દોરતાં આ પ્રશ્ન સોમવારે મળેલી બાંધકામ સમિતિની બેઠકમાં ચર્ચાયો હતો. જેમાં પાલિકા ઇજનેરે માર્ગ અને મકાન વિભાગે મોઢેરા રોડ ઉપર વરસાદી પાણી નિકાલ માટે ડી-વોટરિંગ પંપની વ્યવસ્થા કરવાની હોઇ હાલ બીજી વ્યવસ્થા કરવાની રહેતી નથી તેમ જણાવ્યું હતું.

જોકે, ચીફ ઓફિસરે અંડરપાસની કામગીરી ચાલે છે ત્યારે ચોમાસામાં રોડ સાઇડોમાં વધુ સમય પાણી ન ભરાઇ રહે તે માટે જરૂર જણાય ત્યાં પાલિકારાહે ડીઝલ પંપનો ઉપયોગ કરી લેવા સૂચના આપી હતી.ચોમાસુ આવે ત્યારે પાણી નિકાલની વ્યવસ્થા માટે દર વર્ષે કવાયત કરાય છે. પરંતુ હજુ સુધી માનવ આશ્રમ ચોકડીથી વિસનગર લીંક રોડ, વાલ્મિકીનગર, હીરા નગર, જીઇબી રોડ, સોમનાથ રોડ સહિતના વિસ્તારમાં ભરાતાં વરસાદી પાણીના ઝડપથી નિકાલની કાયમી વ્યવસ્થા નહીં થતાં ફરી અહીં આ ચોમાસામાં પણ પાણી ભરાઇ રહેશે.

દરમિયાન, સોમવારે નગરપાલિકા હોલમાં બાંધકામ સમિતિની મળેલી બેઠકમાં ચેરમેન દિપકભાઇ પટેલે ગાયત્રી મંદિર કેનાલ ખોલીને પાણી નિકાલની કાયમી વ્યવસ્થા કરવા આયોજન સુચવ્યું હતું. સદસ્યા રંજનબેન પ્રજાપતિએ વોર્ડ નં.6માં બાહુબલી સોસાયટી રોડ પર તેમજ પ્લોટમાં વરસાદી પાણી ભરાઇ રહે છે, આથી નેળિયા માર્ગે પાણી નિકાલ માટે આયોજન કરવા જણાવ્યું હતું. બેઠકમાં સદસ્ય વિનોદ પ્રજાપતિ, અસ્મિતાબેન પટેલ, દેવેશ પટેલ સહિતે વિસ્તારના સૂચનો કર્યા હતા.

આંબેડકર ચોકથી માનવ આશ્રમ થઇ ગાંધીનગર લીંક રોડ ખારી નદી સુધી વરસાદી લાઇન નાંખવાનું આયોજન
આંબેડકર ચોકથી માનવ આશ્રમ થઇ ગાંધીનગર લીંક રોડ ખારી નદી સુધી વરસાદી લાઇન નાંખવાનું આયોજન કરાયું છે, જે આગામી વર્ષના ચોમાસા સુધીમાં લાઇન નંખાઇ જશે. જેમાં તળેટી, તાવડિયા અને વિસનગર લીંક તરફના પાણીના જોઇન્ટ આ મેઇન લાઇનમાં અપાશે જેથી સરળતાથી પાણી નિકાલ થઇ શકશે. હાલમાં અંબિકાનગરથી ગાંધીનગર લીંક સાઇડની લાઇનની સફાઇ કરાઇ છે. - અલ્પેશ પટેલ, ચીફ ઓફિસર

અન્ય સમાચારો પણ છે...