કેન્દ્રીય સંસદીય બાબતો અને સાંસ્કૃતિક વિભાગના રાજ્ય મંત્રી અર્જુનરામ મેઘવાલ મહેસાણા જિલ્લાની મુલાકાતે આવ્યાં છે. ત્યારે ભારત સરકારની 8 વર્ષની ઉપલબ્ધિઓ અને સેવા, સુશાસન, ગરીબ કલ્યાણ ઉજવણીના ભાગરૂપે જિલ્લાની મુલાકાતે આવેલા મંત્રી અર્જુનરામ મેઘવાલ વડનગરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક વિરાસતને નજરે નિહાળવા વડનગર પહોંચ્યા હતા. તેમણે 12 મી સદીમાં બંધાયેલાં શ્રી હાટકેશ્વર મહાદેવના મંદિરમાં ભક્તિ ભાવપૂર્વક પૂજા-અર્ચના કરી, આરતી ઉતારી હતી.
અધિકારીઓને ઝડપથી કામ પૂરું થાય તે માટે સૂચના આપી
આ મુલાકાત દરમિયાન રાજ્ય મંત્રી અર્જુનરામ મેઘવાલે વડનગરનાં કીર્તિ તોરણ, પ્રેરણા સ્કૂલ, બુદ્ધિસ્ટ મોનેસ્ટ્રી, શર્મિષ્ઠા તળાવ, આંતરરાષ્ટ્રીય કક્ષાના નિર્માણાધીન એક્સપેરિયન્સલ મ્યુઝિયમ સાઇટ, ઉત્ખનન સાઇટ, રેલવે સ્ટેશનની પ્રધાનમંત્રીના બાળપણની યાદ એવી ચાની કીટલી સહિતનાં વિવિધ સ્થળોની મુલાકાત લઇને ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષોનું નિરીક્ષણ કર્યું હતું અને તેમણે ઉત્ખનનની વિવિધ સાઇટ પર પગપાળાં જઇને માહિતી મેળવી હતી. અધિકારીઓને ઝડપથી કામ પૂરું થાય તે માટે સૂચના પણ આપી હતી
25 હજારથી વધુ વસ્તુઓના અવશેષો મળ્યા છે
વડનગરમાં છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા ઉત્ખનન દરમિયાન શંખચૂડી, અલગ અલગ ડિઝાઇનના ઠીકરાં, માટીનાં રમકડાં, પેન્ડેન્ટ અને સીલીંગ મળી આવ્યાં છે. વડનગરમાં આર્કિયોલોજી ઓફ ઇન્ડિયા દ્વારા વર્ષ 2014થી જુદી જુદી અઢાર જગ્યાએ ખોદકામ ચાલું રહ્યું છે. જેમાંથી અત્યાર સુધીમાં 25 હજારથી વધુ વસ્તુઓના અવશેષો મળી આવ્યા હોવાની વિગતો ચીફ આર્કિયોલોજિસ્ટ અભિજિત આંબેકરે મંત્રી મેઘવાલને આપી હતી.
રોજગારી મેળવી રહેલા મજૂરો સાથે વાત કરી
વડનગરમાં 15 હજારથી વધુ ચોરસવાર જમીન ઉપર આંતરરાષ્ટ્રીય કક્ષાનું મ્યુઝિયમ બનવાનું છે. તેમણે મ્યુઝિયમ સાઇટ ઉપર ખોદકામ અને ઉત્ખનન કરીને રોજગારી મેળવી રહેલા મજૂરો સાથે વાત કરી તેમને મળતા વેતન અંગે પૃચ્છા કરી હતી. તેમણે વડનગરની મ્યુઝિયમ સાઇટની આજુબાજુ રહેતાં બાળકો અને રહીશો સાથે પણ વાતચીત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.