તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મન્ડે પોઝિટિવ:મહેસાણાના દંપતીએ 497 બાળકોને ભિક્ષાવૃત્તિ છોડાવી શિક્ષણમાં જોતર્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભણવાની પ્રેરણાથી ધો.10 પાસ કર્યું, લાયસન્સ મળતાં હવે ટ્રક ચલાવું છું - Divya Bhaskar
ભણવાની પ્રેરણાથી ધો.10 પાસ કર્યું, લાયસન્સ મળતાં હવે ટ્રક ચલાવું છું
  • છેલ્લા 15 વર્ષથી મહેસાણામાં બાલભિક્ષુક મુક્ત શિક્ષિત સમાજ અભિયાન ચલાવતું દંપતી

બાળ ભિક્ષુકને શોધી મહેસાણાનાં સેવાભાવી દંપતીએ 15 વર્ષમાં આવા 497 બાળકોને શિક્ષિત કર્યા છે. જેમાંથી અત્યાર સુધી મોટા થયેલા 125 યુવાનો લગ્નગ્રંથીથી જોડાઇને નાના-મોટા રોજગારમાં સ્થાયી થયા છે.

મહેસાણાની ભરતનગર સોસાયટીમાં રહેતા જયંતિભાઇ પટેલ અને તેમનાં પત્ની અરૂણાબેને ઘરને જ જાણે હરતી ફરતી શાળા બનાવી હોય એમ બાળકો માટે દફ્તર, નોટબુકો, કંપાસ સેટ, કપડાં, બુટ-ચંપલનો સામાન નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં ખડકી દે છે. આ જયંતિભાઇ ટીમ સાથે મહેસાણાના અલગ અલગ છ હાઇવે પટ્ટાના તંબૂમાં રહેતાં વંચિત વર્ગના પરિવારોમાં પહોંચી જાય છે.

જયંતીભાઇએ કહ્યું, 2007થી આ અભિયાન શરૂ કર્યું. એમાં દાતાઓ અને શાળાઓનો સહયોગ મળતો ગયો. બાળકોને પહેલાં રહેવા, જમવા વગરે જીવનજરૂરી વસ્તુઓ આપવી, પોકેટમની માટે બુટપૉલીસનો સામાન ફ્રીમાં કરી આપતા ગયા. બાળકોને શાળાએ લઇ ગયા તો બીજા બાળકોને દેખી નિયમિત ભણવા લાગ્યા. અરૂણાબેને કહ્યું કે, ભણતર પછી એકના લગ્ન ગોઠવાયા પણ કન્યા માટેનો સામાન નહોતો. તો ઘરેથી જ બેગમાં બધુ તૈયાર કરી પહોંચ્યા, લગ્ન લેવાઇ ગયા. મંડપવાળા, રસોઇયાએ કંઇ ખર્ચ ન લીધો અને પ્રસંગ ઊજવાઇ ગયો.

કિસ્સો-1 : ભણવાની પ્રેરણાથી ધો.10 પાસ કર્યું, લાયસન્સ મળતાં હવે ટ્રક ચલાવું છું
13 વર્ષ પહેલાં ટીબી રોડ તંબૂમાં રહેતો હતો અને શહેરમાં બુટ પૉલીસ કરતો હતો. જયંતિ કાકાએ દફ્તર વગેરે અપાવી શાળાએ જવાનું કહ્યું. વેકેશનમાં તેઓ અમારા તંબૂએ મળવા આવી જતાં. એ વખતે અમને ધો.4ના એસટીપી વર્ગમાં લઇ જતા.

ત્યાર પછી તો શાળામાં ભણી ધો.10 પાસ કર્યુ, આરટીઓથી લાયન્સ મેળવ્યું અને આજે 23 વર્ષ થયાં, ટ્રક ચલાવી રહ્યો છું. ભણતરમાં જયંતિકાકાની પ્રેરણા મળી અને ધો.10 સુધી ભણી શક્યો તેવું નરેશ ઇશ્વરભાઇ મારવાડીએ જણાવ્યું હતું.

કિસ્સો-2 : અમે ભીખ માગતા હતા, સાહેબે ભણાવ્યા, આજે હોટલમાં કૂક
મૂળ રાજસ્થાનના મેઠાભાઇ ઇશારામ મારવાડી (મીઠ્ઠુ) ટીકટોક વીડિયો બનાવવાનો શોખિન છે. મીઠ્ઠુએ કહ્યું, 15 વર્ષ પહેલાં મહેસાણા ગુજરાત હાઉસિંગમાં રહેતો અને ભીખ માગતો હતો. જ્યંતિકાકા મળ્યા, એ વખતે નાનો હતો. તેમણે શાળામાં મૂક્યો અને ધો.8 સુધી ભણ્યો. અમારા જીવન બદલાવનો સહારો જયંતિકાકા છે. આજે કોલ્હાપુરની નામાંકિત હોટલમાં કુક (રસોઇયો) છું, મહિને 12 હજાર મળે છે. હાલમાં સુરત નવી બ્રાન્ચમાં આવ્યો છું. આજે પણ જયંતિ કાકાને રોજ સોશિયલ મીડિયામાં અમારા પરિવારની વાતો શેર કરી આનંદ અનુભવીએ છીએ.

કિસ્સો-3 : પહેલા એચટીપી વર્ગમાં દાખલ કરાવ્યો, ધો.9માં પ્રવેશ લઇશું
મહેસાણા એપોલો એન્કલેવ પાસે રહેતો ભાવેશ રાજુજી ઠાકોરે કહ્યું કે, અમારે બે ભાઇને નાનપણમાં માતા-પિતા નહોતા. ભીખ માગતાં. જ્યંતીકાકા મળ્યા અને તેમણે બુટપૉલીસનો સામાન અપાવી ભીખ છોડાવી. જરૂરી ચીજવસ્તુઓ આપતા. પછી એસટીપીના વર્ગમાં મૂકી ધો.4માં હેડ ક્વાર્ટર શાળામાં પ્રવેશ કરાવ્યો, ધો.8 પાસ કર્યું. હવે ધો.9માં પ્રવેશ મેળવીશું.

અન્ય સમાચારો પણ છે...