ફરિયાદ:મહેસાણા ભૂસ્તર વિભાગમાં બેંકના ખોટા સિક્કાવાળા ચલણ રજૂ કરીને જપ્ત કરાયેલા વાહનો છોડાવી ગયા

મહેસાણા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભૂસ્તર ખાતાએ 8 મહિના પછી ત્રણ શખ્સો સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી
  • સમાધાન દંડની રકમ ભર્યા વિના રૂ. ભરાયાનું બેંકના સહી સિક્કા સાથેનું ચલણ રજૂ કરાયું
  • સરકારી બેન્ક એસબીઆઇના કર્મચારીઓ અધિકારીઓની ઘોર બેદરકારી બહાર આવી
  • વિજાપુર તાલુકાના બે અને વડનગર તાલુકાના એક મળી ત્રણ સામે ફરિયાદ

રેતી ખનન મામલે મહેસાણાની ખાણ ખનીજ વિભાગની કચેરી દ્વારા જપ્ત કરાયેલા વાહનોને છોડાવવા માટે બેંકના ખોટા સહી સિક્કાવાળું ચલણ રજૂ કરીને છોડાવી ગયા હતા. વિજાપુર તાલુકાના બે અને વડનગર તાલુકાના એક મળી કુલ ત્રણ શખ્સો સામે ભૂસ્તર ખાતાના રોયલ્ટી ઇસ્પેક્ટરે છેક 8 મહિને મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મહેસાણાની ખાણ ખનીજ કચેરી દ્વારા ગત ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં વિજાપુર તાલુકાના ભાણપુર ગામે આવેલ રેતીના સ્ટોકમાં 1567 મેટ્રિક ટન રેતીનો બિનઅધિકૃત સંગ્રહ મામલે નોટિસ આપીને સ્ટોકના વસંત પટેલને 5 લાખ 29,000ની રકમ સમાધાન દંડ પેટે ભરવા માટે જણાવવામાં આવ્યું હતું.

જ્યારે આ જ રીતે 19 જાન્યુઆરીના રોજ માલોસણ લાડોલ રોડ ઉપરથી સ્થાનિક મામલતદાર દ્વારા ઝડપાયેલ બિનઅધિકૃત રીતે રેતી ભરીને લઈ જતાં ટ્રેક્ટર માલિકને 40296 રૂપિયા અને વડનગર તાલુકાના જાસ્કા પુંજાપૂરા ગામે ગેરકાયદેસર થઈ રહેલા માટી ખનનમાં 10 જાન્યુઆરીના રોજ ખાણ ખનીજ વિભાગની ટીમે રેડ પાડીને એક ડમ્પર જપ્ત કરીને માપણી કરીને ગેરકાયદેસર રીતે કરાયેલા માટી ખનન અને ડમ્પર અને જેસીબી ને છોડાવવા માટે સમાધાન દંડ પેટે 14 લાખ 95 હજાર 772 રૂપિયા ભરવા માટેની માલિકને નોટિસ અપાઈ હતી.

ત્રણેય કિસ્સાઓમાં સોગંદનામુ કરીને સમાધાન દંડની રકમ ભરવા માટેની તૈયારી બતાવીને ત્રણેય શખ્સોએ નિયત સમયમાં દંડની રકમ ભરાઈ ગઈ હોવાનું બેંકના સહી સિક્કા સાથેનું ચલણ રજૂ કરીને વાહનો છોડાવી લીધા હતા. બીજી તરફ સમાધાન દંડની રકમ બેંકના સરકારી ખાતામાં જમા ન થઈ હોવાનું ભૂસ્તર વિભાગના અધિકારીઓને ધ્યાને આવ્યું હતું.

તપાસ કરતાં ત્રણેય શખ્સોએ સમાધાન દંડની રકમ ભર્યા વિના બેંકના ખોટા સહી સિક્કાવાળું ચલણ રજૂ કરી વાહનો છોડાવ્યાનું બહાર આવતાં છેક 8 માસ પછી રોયલ્ટી ઇન્સ્પેક્ટર ચેતન ચૌધરીએ મહેસાણા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા કાર્યવાહી હાથ ધરી છે.

આ રીતે સરકારને ત્રણેય જણાએ ચૂનો ચોપડ્યો
સામાન્ય રીતે ખાણ ખનીજ વિભાગ દ્વારા રેતી ખનન કે તેના સંગ્રહ મામલે જપ્ત કરાયેલ વાહનોને છોડાવવા માટે સમાધાન દંડની રકમ ભરપાઈ કરી રૂપિયા ભરાઈ ગયા હોવાનું બેંકના સહી સિક્કા સાથેનું ચલણ રજૂ કર્યા બાદ વાહનો છુટતા હોય છે. ત્યારે આ કિસ્સામાં ત્રણેય શખ્સો સમાધાન દંડની રકમનો એક પણ રૂપિયો ભર્યા વિના એસબીઆઇ બેંકના ખોટા સહી સિક્કા સાથેનું રૂપિયા ભરાઈ ગયા હોવાનું ચલણ રજૂ રાજ્ય સરકારને 20 લાખની કિંમતનો ચૂનો ચોપડીને પોતાના વાહનો છોડાવી ગયા છે.

આમની સામે ફરિયાદ નોંધાઈ
1. વસંતકુમાર ચુનીલાલ રહે પટેલ વાસ ભાણપુર (ભાથીપુર, વિજાપુર)
2. વણઝારા નારાયણજી ખેમાજી (રહે આગલોડ તા.વીજાપુર)
3. મોહનભાઈ ગલાજી વણઝારા રહે ભાલેસરા નવી ડેપોની સામે (તા.વડનગર)
4. તપાસ દરમિયાન જેના નામ ખુલે તે

અન્ય સમાચારો પણ છે...