નિર્ણય:રાધનપુર રોડ પર અને લકીપાર્કમાં શો રૂમનું ગેરકાયદે બિલ્ડિંગ સીલ કરાશે

મહેસાણા13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં મહત્વના નિર્ણય
  • જનતા સુપર માર્કેટ પાછળ તેમજ ટીબી રોડ પર ટાયગર પાર્લરનું દબાણ 10 દિવસમાં દૂર કરાશે

મહેસાણા નગરપાલિકાની ગુરુવારે મળેલી ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં રાધનપુર રોડ પર પ્રકાશ સોસાયટી આગળનું બિલ્ડિંગ તેમજ લકીપાર્ક સોસાયટીમાં સાયકલ શો રૂમવાળું બિલ્ડિંગ સીલ કરવાનો નિર્ણય કરાયો છે. આ સાથે જનતા સુપર માર્કેટમાં માર્જિન ભંગમાં ચાલતું બાંધકામ, ટીબી રોડ પર ટાયગર પાર્લર અને ટીપી પ્લોટના દબાણો આગામી દશેક દિવસમાં દૂર કરવાનો નિર્ણય લેવાયો હતો.નગરપાલિકા હોલમાં ટીપી ચેરમેન કનુભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર સહિત કમિટીના સભ્યોએ ગેરકાયદે અને બિન પરવાનગી બાંધકામો, દબાણોની ચાલતી પ્રક્રિયાઓ અંગે પરામર્શ કર્યો હતો.

આ અંગે ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, ટીબી રોડ પર ટાયગર પાર્લરનું બાંધકામ માર્જીનની જગ્યામાં થયેલું છે. રહેણાકની જગ્યા અને માર્જીનમાં કોમર્શિયલ બાંધકામ હોઇ સીલ કરાયેલું છે. નોટિસ છતાં બાંધકામ દૂર ન કરાતાં આ બાંધકામ તોડી દૂર કરવાનો નિર્ણય કરાયો છે. રાધનપુર રોડ પર પ્રકાશ સોસાયટી આગળ ત્રણ માળના બિલ્ડિંગનું બાંધકામ પરવાનગી વગરનું છે. નોંધનીય છે કે, આ બિલ્ડિંગનો નગર નિયોજકથી લેઆઉટ પ્લાન મંજૂર કરાયેલો છે, પરંતુ પાલિકાની બાંધકામ પરવાનગી લીધેલી નથી. આ બિલ્ડિંગમાં હાલ સેલ્સ ઇન્ડિયાનો શોરૂમ, હોસ્પિટલ તેમજ કોમર્શિયલ દુકાનો આવેલી છે.

જગ્યાના માલિકને નોટિસ પછી કોઇ કાર્યવાહી ન થતાં આ બિલ્ડિંગ સીલ કરવાનો નિર્ણય લેવાયો છે. જ્યારે અગાઉ નગરપાલિકા દ્વારા લકીપાર્કમાં રહેણાંકની જગ્યાએ ફ્સ્ટ સાયકલ શો રૂમ તરીકે બિલ્ડિંગનો કોમર્શિયલ ઉપયોગમાં આગળનો દરવાજો સીલ કરાયો હતો. માલિકની રજૂઆત આવતાં માનવીય અભિગમમાં રહેણાંક ઉપયોગ માટે પાછળનો દરવાજો ખુલ્લો રખાયો હતો. જોકે, પાછળના દરવાજાથી સાયકલ લે- વેચ થતું હોવાનું ધ્યાને આવતાં આ ઇમારતનો પાછળનો દરવાજો બંધ કરી સીલ કરાશે.

સીઓએ કહ્યું કે, જનતા સુપર માર્કેટ પાછળ ખુલ્લી રાખવાની માર્જીનની જગ્યામાં ગેરકાયદે બાંધકામ કરી રહ્યા છે. પાંચ થી છ દુકાન એક્સટેન્ડ જેવું બાંધકામ ચાલી રહ્યાનું ધ્યાને આવતાં હોદ્દેદાર, સંચાલકને નોટિસ આપેલી છે. હવે પાલિકા આ ગેરકાયદે બાંધકામ દૂર કરશે. આ ઉપરાંત, બેઠકમાં ટીપી-3માં અરજીકર્તાની ટીપીઓને રજૂઆત પછી એક ફાઇનલ પ્લોટના સ્થાનમાં ફેરકાર કરવાનું કામ મંજૂર કરાયું હતું.

ટીબી રોડ ટીપી પ્લોટમાં 15 મકાનનાં દબાણો દૂર કરાશે
નગરપાલિકાની ટીપી સ્કીમ 2 વિસ્તારમાં શ્રીનાથ રો-હાઉસની પાછળ 2085 ચોરસ મીટરમાં સામાજિક અને આર્થિક નબળા વર્ગના લોકો માટે રિઝર્વેશન પ્લોટમાં 15 જેટલા મકાનોનાં દબાણો થયેલાં હોઇ આ દબાણો દૂર કરી ફેન્સિંગ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...