મોઢેશ્વરી માતાજી:વિધર્મીથી બચાવવા મોઢેશ્વરી માતાજીની મૂર્તિ વાવમાં સંતાડી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સમસ્ત મોઢ જ્ઞાતિનાં કુળદેવી મોઢેશ્વરી માતાજીનું મુખ્ય સ્થાનક મોઢેરામાં આવેલું છે

ઐતિહાસિક સૂર્યમંદિરના કારણે જગવિખ્યાત બનેલું મોઢેરા મોઢેશ્વરી મૈયાના પવિત્ર બેસણાંના કારણે પણ ગુજરાત સહિત પરપ્રાંતમાં જાણિતું છે. મોઢેરાનું પ્રાચીન નામ મોહેરકપુર હતું, તેની આસપાસનો વિસ્તાર ધર્મારણ્ય તરીકે ઓળખાતો. આ ધર્મારણ્યની સ્થાપના સતયુગમાં થઈ હતી. ત્રેતાયુગમાં તે સત્યમંદિર, દ્વાપરયુગમાં વેદભૂવન અને કલિયુગમાં મોહેરકપુર અને હાલ મોઢેરાના નામે ઓળખાય છે. મોઢેરાની આ પવિત્ર ભૂમિમાં વિશ્વનિર્માતા બ્રહ્માજીએ તપ કર્યું હતું. અહીં અનેક ઋષિમુનિઓનો વાસ હતો. મોઢેરા વિશ્વભરમાં પથરાયેલા મોઢ બ્રાહ્મણ, મોઢ વણિક, મોઢ મોદી સહિતની જન્મભૂમિ છે અહીં ગામના દ્વારે મોઢેશ્વરી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે.

સમગ્ર મોઢ સમાજનાં કુળદેવી મોઢેશ્વરી (માતંગી) માતાજીના પ્રાગટ્યનો ઇતિહાસ પણ રસપ્રદ છે. મોઢેરાના આ ધર્મારણ્ય ક્ષેત્રમાં કર્ણાટ નામના દૈત્યનો ભારે પ્રકોપ હતો. અહીંની સમૃદ્ધિ જોઈને તે આવતી જતી જાનોને લૂંટતો, નવવધૂને ઉપાડી જતો, લોકોને મારી નાખતો. દૈત્યના આવા ત્રાસથી અહીંના વિપ્રો અને વણિકોએ માતાજીના ચરણોમાં જઇ ગદગદ ભાવે સ્તુતિ કરી કર્ણાટ રાક્ષસના ત્રાસમાંથી છોડાવવા વિનંતી કરી. ભક્તોની આ વિનંતી સાંભળી માતાજી અસૂરને હણવા ભયંકર રૂપે પ્રગટ થયાં. તેમના મુખમાંથી અગ્નિની જ્વાળાઓ પ્રગટવા લાગી, નેત્રો લાલઘૂમ થઈ ગયાં, ગળામાં લાલ ફૂલોની માળા ધારણ કરી માતાજીની 18 ભૂજાઓમાં જુદા જુદા અસ્ત્ર-શસ્ત્ર હતાં. શરૂમાં દૈત્ય માતાજીનું વિકરાળ સ્વરૂપ જોઈ સંતાઈ જતાં દેવી તેને શોધી કાઢે છે. તેની સાથે મહા ભયંકર યુદ્ધ ખેલાય છે.

દૈત્ય મુદગલ લઈને દેવીને મારવા આવે છે તે વખતે દેવી ત્રાડ પાડીને ત્રિશૂળ તેની છાતીમાં ખોસી દે છે. પરંતુ, માયાવી દૈત્યના લોહીમાંથી બીજા દૈત્યો પેદા થાય છે. આ દ્રશ્ય જોઈ નગરજનો ગામ છોડીને ભાગી જાય છે. દેવી ફરીથી તેના પર ત્રાટકે છે, તેનો વધ કરી લોકોને અસૂરોના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા. આ સમયે મોઢેરાના વિપ્રો અને વણિકોએ ધામધૂમથી વિજયોત્સવ મનાવ્યો ત્યારથી મોઢેશ્વરી માતાજી સમાજનાં કુળદેવી તરીકે પૂજાય છે. વિવાહ અને લગ્ન પ્રસંગે માતાજીને ઈષ્ટદેવી માની તેમની પૂજા અર્ચના થાય છે. માતાજી નવદંપતીને આશીર્વાદ આપી તેમના મનોરથ પૂરાં કરે છે.

દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખીલજીના સમયમાં તેણે મોઢેરા ઉપર આક્રમણ કર્યું. બ્રાહ્મણો તથા વૈશ્ય લડવૈયાઓએ મોઢેરાના કિલ્લાના દરવાજા બંધ કરી ખીલજીની સેનાનો સામનો કર્યો. છેવટે તેની સાથે સમાધાન થયું. પરંતુ પાછળથી મુસ્લિમ સેનાએ દગો કરી મોઢેરા નગર લૂંટી લીધું. સૂર્યમંદિર ખંડિત કરી તેની અનુપમ કલાકૃતિઓનો નાશ કર્યો. તે સમયે મોઢેશ્વરી માતાજીની મૂર્તિને ખંડિત ન કરે તે હેતુથી મૂર્તિને વાવમાં સંતાડી દેવામાં આવી, જે વાવ આજે ધર્મવાવ તરીકે ઓળખાય છે. ત્યાર બાદ ફરીથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો. સંવત 1966માં મહા સુદ તેરસના દિવસે માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા કરાઇ ત્યારથી અહીં દર વર્ષે વાર્ષિક પાટોત્સવ ઉજવાય છે.

અન્ય સમાચારો પણ છે...