રજૂઆત:પશુપાલકોએ સાગરદાણમાં ભાવ વધારો પરત ખેંચવા કલેકટરને રજૂઆત કરી આવેદન આપ્યું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના અર્બુદા ભવનમાં પશુપાલકો એકત્ર થઇ તંત્રને રજૂઆત કરી
  • દૂધ ઉત્પાદકોને કિલોફેટે દૂધના ભાવ ઓછા મળતા હોઇ શોષણ બંધ કરવા માંગ કરાઇ

મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકોને દૂધમાં કિલો ફેટે ભાવ વધારો મળ્યો તેની સામે સાગરદાણમાં તોતીંગ ભાવ વધારાથી પશુપાલકોના માથે પશુઆહારમાં બોજો વધુ આવ્યો છે.ત્યારે સાગરદાણમાં બેગદીઠ રૂ. 100નો ભાવ વધારો પરત ખેચાય તેમજ રાજસ્થાની તુલનાએ જુના મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકોને કિલોફેટે દૂધના ભાવ ઓછા મળતા હોઇ શોષણ બંધ કરવા માંગ ઉઠી છે. મહેસાણા અર્બુદા ભવન ખાતે સવારે પશુપાલકો એકઠા થયા હતા અને બાદમાં જિલ્લા કલેકટર કચેરીએ પહોચ્યા હતા.

જ્યાં દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન આશાબેન ઠાકોર,પૂર્વ વાઇસચેરમેન મોઘજીભાઇ ચૌધરી તેમજ પશુપાલકો દ્વારા કલેકટર ઉદિત અગ્રવાલને આવેદન આપીને સાગરદાણના ભાવમાં કરાયેલો વધારો પરત ખેચવા અંગે આવેદનપત્ર આપ્યુ હતું.દૂધસાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજીભાઇ ચૌધરીએ કહ્યુ કે, દૂધસાગર ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને આ વર્ષે કિલોફેટે ગત વર્ષ કરતાં વધારે ભાવ ચુકવવો જોઇએ તેના બદલે હાલ દર કિલોફેટે રૂ. 740 ચૂકવાઇ રહ્યા છે.

જ્યારે બનાસડેરી અને સાબરડેરીનો આખરી ભાવ રૂ. 860 ચુકવવામાં આવ્યા હતા.દૂધસાગર ડેરી રાજસ્થાનમાંથી દૂધ ખરીદીમાં કિલોફેટે રૂ. 850 ચુકવી રહી છે અને રાજસ્થાના દુધ ઉત્પાદકોને લિટરે રૂ. 5 સબસીડી ચુકવવામાં આવે છે.તેની સામે જુના મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાસદકોને રૂ. 740 ચૂકવવામાં આવી રહ્યા છે.આમ જુના મહેસાણા જિલ્લાના દૂધ ઉત્પાદકોને રૂ. 110 ઓછા ચુકવવામાં આવી રહ્યા હોઇ અન્યાયકર્તા હોવાનું જણાવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...