તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની સરાહનીય કામગીરી:ચોકલેટ લેવા ગયેલી બાળકી રસ્તો ભૂલી જતાં ગુમ થઈ, પોલીસે અડધા કલાકમાં શોધી કાઢી

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા સિદ્ધપુરી બજારમાં રહેતી સાડા ત્રણ વર્ષની બાળકીને શોધવા દોડાદોડ
  • મહેસાણા એ ડિવિઝન પોલીસે વોટ્સએપ પર ફોટો મૂકતાં કાચા માઢ નજીકથી મળી આવી

મહેસાણા શહેરના સિદ્ધપુરી બજારમાં જૈન દેરાસરની સામે વીરચંદ કરમચંદના માઢમાંથી ગુમ થયેલી સાડા ત્રણ વર્ષની બાળકીને એ ડિવિઝન પોલીસે અડધા કલાકમાં કસ્બા વિસ્તારનાં કાચા માઢ પાસેથી શોધી કાઢી હતી. બાળકીને જોતાં જ પરિવાર ભાવુક બની ગયો હતો. ચોકલેટ લેવા દુકાને ગયેલી બાળકી રસ્તો ભૂલી જતાં બજાર વિસ્તારમાં ગુમ થઈ હતી.

શહેરના વીરચંદ કરમચંદના માઢમાં રહેતા જાવેદખાન બલોચે તેમના સાળા મુખ્તિયાર શેખની દીકરી માહેરા શનિવારે સાંજના સાડા પાંચ કલાકે ગુમ થઈ હોવાની એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જેને પગલે પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીઆઈ જે.એસ. પટેલ સહિતની ટીમે સિદ્ધપુરી બજાર, બિલાડી બાગ તેમજ ધોબીઘાટ વિસ્તારમાં શોધખોળ હાથ ધરી હતી, પરંતુ મળી નહોતી. તેથી ગુમ થનાર બાળકીનો ફોટો વોટ્સએપના માધ્યમથી પોલીસ ગૃપોમાં શેર કર્યો હતો.

આ સમયે કસ્બા પોલીસ ચોકીના કોન્સ્ટેબલ નવાબખાન અને જસ્મીન કુમારે બાળકીની શોધ કરતાં બાળકી કાચા માઢ પાસેના શ્રીરામ ચોક નજીકથી મળી આવી હતી. તેથી કસ્બા પોલીસચોકી બાળકીને લાવી, તેણીના માતા-પિતાને બોલાવતાં ઓળખી બતાવી હતી. બાળકીના પરિવારે પોલીસની કામગીરીને બિરદાવી હતી.

અન્ય સમાચારો પણ છે...