પાણીની અસુવિધા:મહેસાણા શહેરના બગીચાઓમાં સહેલાણીઓ માટે પાણી જ નથી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બિલાડી બાગમાં પાણી વિના લોકો નિશાસા નાખી રહ્યા છે. - Divya Bhaskar
બિલાડી બાગમાં પાણી વિના લોકો નિશાસા નાખી રહ્યા છે.
  • રાહતદરે ઠંડું પાણી આપવા પ્લાન્ટ શરૂ કરનાર મહેસાણા પાલિકાને બગીચા દેખાતાં નથી
  • અરવિંદ બાગમાં પીવાના પાણી માટે કોઇ સુવિધા જ કરાઇ નથી
  • બિલાડી બાગમાં પરબનાં નળ તૂટેલાં, ટાંકીમાં ગરમ પાણી આવે છે

મહેસાણા શહેરવાસીઓ ઉનાળાની કાળઝાળ ગરમીથી કંટાળી બાળકો, વડીલો સાથે બિલાડી બાગ અને અરવિંદ બાગમાં એકાદ-બે કલાક ગાળવા માટે આવતાં હોય છે. પરંતુ આ બંને બગીચામાં લોકો માટે પીવાના પાણીની સુવિધા ન હોઇ તરસ્યા રહેવું પડે છે. બિલાડી બાગમાં પરબના બે નળ તૂટેલા હોઇ બંધ હાલતમાં છે. અહીં માટલાં મૂકેલાં તો છે પણ ખાલીખમ હોય છે.

પ્લાસ્ટીકની ટાંકીએ એક નળથી આવતું સાદુ પાણી પીને લોકોએ ચલાવવું પડી રહ્યું છે. પરંતુ અહીં ગ્લાસ જેવી કોઇ વ્યવસ્થા નથી. કર્મચારીઓ માટે વોર્ડ ઓફિસમાં ઠંડા પાણીના કેરબા હોય છે, પણ લોકો માટે આવી કોઇ સગવડ નથી. શહેરની મધ્યમાં આવેલા અરવિંદ બાગમાં તો પીવાના પાણીની કોઇ જ વ્યવસ્થા નથી.

ઉનાળાની ગરમીના દિવસોમાં અહીં બેસવા આવતા લોકોએ બહાર પૈસા ખર્ચીને ઠંડુ પાણી પીવું પડે છે. અથવા તો બગીચામાં છાંટવાની પાઇપમાં આવતું પાણી પીને પ્યાસ બુઝાવતા હોય છે. નગરપાલિકા એક તરફ રાહતદરે વિવિધ વિસ્તારોમાં મિનરલ ઠંડા પાણીના પ્લાન્ટની સુવિધા ઉભી કરી રહી છે, જે સારી બાબત છે. પરંતુ બાગ જેવા જાહેર સ્થળોએ લોકો માટે પીવાના પાણીની સગવડ નહીં હોવાની બાબત ટીકાપાત્ર બની છે.

આથી સત્વરે બંને બાગમાં ઠંડા પીવાના પાણીની કાયમી સુવિધા ઊભી કરવામાં આવે તેવી લોકમાંગ ઊઠી છે. ઉલ્લેખનિય છે કે, શહેરમાં બિલાડી બાગ, અરવિંદ બાગ, ટીબી રોડ રાજમાતા સિંધિયા ઉદ્યાન, પરશુરામ બાગ, નાગલપુર વૃંદાવન ગાર્ડન, રાધનપુર રોડ દ્વારકાપુરી નજીક સરદાર પટેલ બાગ, મોઢેરા રોડ જીઆઇડીસી નજીક બાગ, આંબાવાડી વૃંદાવન ગાર્ડન, સહકાર નગર ગાર્ડન સહિત 9 બાગ આવેલા છે. જેમાં ઠંડા પીવાના પાણીની સુવિધા ન હોય ત્યાં પાલિકાએ કરવી જોઇએ તેવો પ્રજામત છે.

અન્ય સમાચારો પણ છે...