છેલ્લી ઘડીની મથામણ:આજે બપોર સુધી ફોર્મ પરત ખેંચી શકાશે, અપક્ષોને મનાવવા પ્રયાસો

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 7 બેઠકમાં 81 ઉમેદવારો મેદાનમાં, ફોર્મ ખેંચાયા બાદ હરીફ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે
  • નુકસાન કરી શકે તેવા ઉમેદવારો સમજાવવા છેલ્લી ઘડી સુધીની મથામણ

જિલ્લામાં વિધાનસભાની 7 બેઠકોની ચૂંટણીમાં ઝંપલાવનાર ઉમેદવારો સોમવારે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પરત ખેંચી શકશે. ત્યાર બાદ હરીફ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે. બીજીબાજુ, અપક્ષ તરીકે ઉમેદવારી કરનારને સમજાવી ફોર્મ પરત ખેંચાવવા માટે છેલ્લી ઘડી સુધી કવાયત કરાઇ છે.

જિલ્લાની 7 બેઠકમાં કુલ 103 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. તે પૈકી ચકાસણીમાં 12 ઉમેદવારના ફોર્મ રદ અને 91 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા હતા. ઉમેદવારી પરત ખેંચવામાં શનિવાર સુધીમાં 7 બેઠકમાં કુલ 10 ઉમેદવારોએ તેમની ઉમેદવારી પરત ખેંચી લીધી છે. હવે કુલ 81 ઉમેદવારો છે.

જેમાં સોમવારે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોઇ કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં રહેશે અને કેટલા ફોર્મ પરત ખેંચી ખસી જશે તે નક્કી થઇ જશે. ઉલ્લેખનિય છે કે, મહેસાણા બેઠકમાં 2, વિસનગરમાં 3, બહુચરાજીમાં 2, ખેરાલુ, ઊંઝા અને કડીમાં એક-એક ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી છે.

ચૂંટણીમાં જીત-હાર નક્કી કરી શકે તેવા મજબૂત અપક્ષ સહિતના ઉમેદવારોને સમજાવી ફોર્મ પરત ખેંચાવવા છેલ્લી ઘડી સુધીના પ્રયાસો ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષો દ્વારા કરાયા હોવાનું જાણવા મળ્યું છે. બે બળિયા વચ્ચેના જંગમાં ત્રીજો ઉમેદવાર કેટલા મત મેળવી શકે તેના ઉપર પર જીત-હારની બાજી પલટાઇ શકે છે. જેને લઇ ઉમેદવારી ખેંચવા મનાવવા ખાનગી બેઠકોનો દોર જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...