• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • The First 10 Cases In The District Came In 34 Days In The First Wave, 5 In The Second, 19 In The Third And Now In 11 Days In The Fourth Wave.

ભાસ્કર એનાલિસિસ:જિલ્લામાં પ્રથમ 10 કેસ પહેલી લહેરમાં 34 દિવસે, બીજીમાં 5, ત્રીજીમાં 19 અને હવે ચોથી લહેરમાં 11 દિવસમાં સામે આવ્યા

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનાના કેસ લાંબા સમય સુધી આવશે, પણ દર્દીને હોસ્પિટલ સુધી જવું નહીં પડે : નિષ્ણાતોનો મત
  • ​​​​​​​નવા કેસો શરૂ થતાં જિલ્લામાં કોરોના ટેસ્ટિંગનું પ્રમાણ 15થી 25% વધારાયું

છેલ્લા 17 દિવસથી મહેસાણા જિલ્લામાં કોરોનાએ ફરી દસ્તક દીધી છે. આ 17 દિવસમાં દર 21 કલાકે 1 કેસની સરેરાશ સાથે 19 કેસ સામે આવી ચૂક્યા છે. કોરોના કાળના 38 મહિનામાં આવેલી 3 લહેરોની સરખામણીએ બીજી વખત સૌથી ઝડપી કેસ વધી રહ્યા છે. નિષ્ણાત તબીબોના મતે હાલ આવી રહેલા કેસોમાં વેરિયન્ટ બદલાયો નથી તેમજ વેક્સિનેશન અને અગાઉ 3 લહેરોના માસ સંક્રમણને લઇ નવા કેસ લાંબા સમય સુધી આવવાની શક્યતા છે. જોકે, દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થઇ સારવાર લેવી પડે તેવી સ્થિતિ નહીં સર્જાય.

જિલ્લામાં ગત 25 મેથી કોરોનાના નવા કેસ આવવાનું શરૂ થયું છે. છેલ્લા 17 દિવસમાં 19 કેસ નોંધાયા છે. તે પૈકી મોટાભાગના દર્દી સાજા થઇ જતાં ડિસ્ચાર્જ કરી દેવાયા છે. વધતા કેસોની સ્પીડ જોઇએ તો, પ્રથમ 10 કેસ આવતાં 12 દિવસનો સમય લાગ્યો હતો. તેની સામે પ્રથમ લહેરમાં 34 દિવસે, બીજી લહેરમાં 5 દિવસમાં અને ત્રીજી લહેરમાં 19 દિવસે 10 કેસ સામે આવ્યા હતા. એટલે કે, બીજી લહેર બાદ હાલમાં સૌથી ઝડપી કેસ સામે આવી રહ્યા છે.

નિષ્ણાત તબીબોના મતે, જિલ્લામાં મોટાભાગના લોકોનું વેક્સિન થઇ ગયું છે. તેમજ અગાઉની 3 લહેરમાં માસ સંક્રમણ થઇ ચૂક્યું છે. આ બંને પરિબળોને લઇ કોરોના સામે લડવા એન્ટીબોડી તૈયાર થઇ ગઇ છે. અત્યાર સુધીમાં કોરોનાના જે દર્દીઓ સામે આવી ચૂક્યા છે તેમાં નવો વેરિયન્ટ જોવા મળ્યો નથી. નવા કેસ લાંબા સમય સુધી આવશે, પરંતુ પ્રથમ 3 લહેરની જેમ એક જ દિવસમાં 200-500 કેસ નહીં આવે. તેમજ લગભગ દર્દીઓને હોસ્પિટલ સુધી જવાનો વારો પણ નહીં આવે તેમ નિષ્ણાતોનું સ્પષ્ટપણે માનવું છે.

{ છેલ્લા 5 દિવસથી 1000થી વધુ સેમ્પલ લેવાઇ રહ્યા છે...
કોરોનાના કેસ વધતાં સામે આરોગ્ય વિભાગે સેમ્પલની સંખ્યા વધારી છે. 6 જૂન સુધી 900થી ઓછા સેમ્પલ લેવાતા હતા. 7 જૂનથી સેમ્પલની સંખ્યા 1000થી વધુની કરાઇ છે. 6 જૂને 934, 7 જૂને 1021, 8 જૂને 1248, 9 જૂને 1187 અને 10 જૂને 1049 સેમ્પલ લેવાયા હતા.

{16.53 લાખે પ્રથમ અને 15.75 લાખે બંને ડોઝ લીધા
મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં 16.53 લાખ લોકો વેક્સિનનો પ્રથમ ડોઝ લઇ ચૂક્યા છે. જે પૈકી 15.75 લાખ લોકોએ બંને ડોઝ પૂરા કર્યા છે. એટલે કે, પ્રથમ ડોઝ લેનાર પૈકી 95.28 ટકાએ બીજો ડોઝ લીધો છે. જ્યારે 1.25 લાખ લોકોએ બુસ્ટર ડોઝ લીધો છે.

અન્ય સમાચારો પણ છે...