તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠગાઇ:સતલાસણાની ભારત ફાયનાન્સ કંપનીનો ફિલ્ડ મેનેજર 92 ગ્રાહકોના 2.48 લાખ ચાઉં કરી ગયો

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ગ્રાહકોના વીમા પ્રિમિયમ અને લોનના હપ્તા જમા નહીં કરી ઠગાઇ
  • ગ્રાહકોની ફરિયાદ બાદ ઓડિટમાં ઉચાપત બહાર આવતાં ફરિયાદ

સતલાસણામાં ભારત ફાયનાન્સ લી.ના ફિલ્ડ મેનેજરે 92 ગ્રાહકોએ વીમા પ્રિમિયમ અને લોનના હપ્તા પેટે જમા કરવા આપેલી રૂ.2,48,213ની રકમ બેંકમાં જમા નહીં કરી બેંક અને ગ્રાહકો સાથે વિશ્વાસઘાત અને ઉચાપત કર્યાની ફરિયાદ બ્રાન્ચ મેનેજરે નોંધાવી છે.સતલાસણામાં હાઇવે સ્થિત અરમાન ટ્રેડિંગ ઉપર આવેલી ભારત ફાયનાન્સ લી.માં બે વર્ષથી ફિલ્ડ મેનેજર તરીકે ખેડાના ઠાસરા તાલુકાના મરેડિયા ગામના કાનજી વજેસિંહ પરમાર ફરજ બજાવે છે. જેમનું મુખ્યકામ ગ્રામીણ ક્ષેત્રની મહિલાઓના મંડળને ગ્રૃપલોન આપી સાપ્તાહિક હપ્તા ઉઘરાવી લોનધારકની ડાયરીમાં રકમ લખી સહી કરવાની હોય છે.

પરંતુ બેંકમાં ગ્રાહકોની રજૂઆતો મળેલી કે કાનજી પરમાર દ્વારા છેલ્લા બે મહિનામાં થયેલા કલેકશન પૈકી કેટલાક ગ્રાહકોના પૈસા બેંક ખાતામાં જમા કરાવ્યા નથી કે લોનધારકની ડાયરીમાં રકમ જમા લીધાની સહી પણ કરી નથી. આ બાબતે 15 જૂનથી 19 જૂન દરમિયાન કંપનીના ઓડિટર કપીલ પરમારે કરેલા ઓડિટમાં કુલ 92 ગ્રાહકોના રૂ.2,48,213 બેંકમાં જમા કરાવ્યા ન હોવાનું માલુમ પડતાં તેમણે ઓડિટ રિપોર્ટ સાથે બ્રાન્ચ મેનેજરને ફરિયાદ કરી છે.

​​​​​​​કાનજીભાઇ સાથે આ ગ્રાહકોના પૈસા ભરવા બાબતે થયેલી વાતચીતનું રેકોર્ડિંગ પણ બેંક તરફથી અરજીની તપાસમાં પોલીસને અપાયું છે.ફિલ્ડ મેનેજરે ગ્રાહકોના વીમા પ્રિમિયમ તથા લોનના હપ્તાપેટે મેળવેલી રકમ અંગત કામમાં વાપરી ગ્રાહકોની ડાયરીમાં રકમ જમા લીધા બદલની કોઇ પાવતી કે સહી નહીં કરી આપી તેમજ આ નાણાં બેંકમાં જમા નહીં કરાવી બેંક અને ગ્રાહકો સાથે વિશ્વાસઘાત કરી ઉચાપત કર્યાની કાનજી વેજસિંહ પરમાર વિરુદ્ધ સતલાસણા પોલીસ સ્ટેશનમાં બ્રાન્ચ મેનેજર અજયસિંહ ઠાકુરે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...