મહેસાણાની ઘટના:દીકરીના ઘરે મહેમાનગતિ કરવા આવેલા પિતાએ જમાઇની ધોલાઇ કરી

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પિતાએ દિકરીને પિયર લઇ જવાની વાત કરી, જમાઇએ ના પાડતાં મામલો બીચક્યો

મહેસાણા જિલ્લાના લાઘણજ પાસે આવેલા મુલસણ ગામમાં એક યુવકની પત્નીને તેના પિતા અને ભાઇ તેમની સાથે પિયર લઇ જવા માંગતાં હતા. જોકે, યુવકે ના પાડતાં બોલાચાલી થઈ હતી. જેમાં યુવકને તેના સસરા અને સાળાએ મારમારતા યુવક ઘાયલ બન્યો હતો. જ્યારે પત્નીને લઈને પિયરીયા ફરાર થયા હતા. આ અંગે યુવકે ફરિયાદ નોંધાવી છે.

મહેસાણા તાલુકામાં આવેલા મુલસણ ગામમાં આવેલા સેનમાંવાસમાં એક મારામારીની ઘટના સામે આવી છે. જેમાં ફરીયાદી કિરણના ઘરે તેના સસરા સાસુ મહેમાનગતિ કરવા માટે આવેલા હતા. એ દરમિયાન ફરિયાદીના સસરએ દીકરીને પોતાની સાથે પિયર લઇ જવાની વાત કરતા ફરિયાદી કિરણે પત્નીને લઇ જવાની મનાઈ કરી હતી.

બાદમાં સસરા ઉશ્કેરાઈ જઇ ફરિયાદી કિરણને કહેલું કે, તું દારૂડીયો છે તારા ઘરે અમારી દીકરીને રાખવી નથી. એમ કહી સસરા અને સાળાએ ભેગા મળી ફરિયાદીને મારમાર્યો હતો. બાદમાં સુનિલ નામના યુવકે ફરિયાદી કિરણ પર લોખંડના સળિયા વડે હુમલો કરતા ફરિયાદી ઘાયલ બન્યો હતો.

બાદમાં આસપાસના લોકો આવી જતા પિયરીયા પોતાની દીકરીને લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. 108ને જાણ કરતા સારવાર માટે ફરિયાદીને મહેસાણા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં લાઘણજ પોલીસ મથકમાં ચંદુભાઈ માધાભાઈ દતાણી અને સુનિલ છનાભાઈ દતાણી સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...