આજે મળશે "ગામની સરકાર':ઉ.ગુ.ની 1242 ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં 1196 સરપંચ અને 4463 વોર્ડ સભ્યોનાં ભાવિનો આજે ફેંસલો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવારે 9 વાગ્યાથી શરૂ થશે મત ગણતરી
  • રાત્રે 10 વાગ્યા સુધીમાં તમામ પરિણામ આવી જવાનો અંદાજ

ઉત્તર ગુજરાતની 1242 ગ્રામ પંચાયતોની રવિવારે યોજાયેલી ચૂંટણીમાં 1196 ગામોના સરપંચ તેમજ 4463 વોર્ડ સભ્યોનાં ભાવિ મતપેટીમાં સીલ થઇ ગયા છે. જેની મત ગણતરી મંગળવારે સવારે 9 વાગ્યાથી હાથ ધરાશે. મહેસાણા જિલ્લાની 105 ગ્રામ પંચાયત માટે યોજાયેલી ચૂંટણીમાં 104 ગામોના સરપંચ માટેના 315 ઉમેદવારો તેમજ વોર્ડની 362 બેઠકો માટેના 844 ઉમેદવારોના ભાવિનો પણ ફેંસલો થશે. કુલ 2.85 લાખ પૈકી 2.15 લાખ મતદારોએ મતદાન કર્યું છે, એટલે કે 75.66 ટકા મતદાન થયું છે. મંગળવારે જિલ્લાના 10 તાલુકા મથકે સવારે 9 વાગ્યાથી કુલ 85 ટેબલ ઉપર 326 કર્મચારીઓ મત ગણતરી શરૂ કરશે. મત ગણતરીને લઇ 602 પોલીસનો બંદોબસ્ત રહેશે. સરપંચના ગુલાબી અને સભ્યના સફેદ બેલેટ મતપેટીમાંથી અલગ તારવીને મત ગણતરી કરવાની હોઇ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોની મત ગણતરી રાત્રે 9 થી 10 વાગ્યા સુધીમાં પૂરી થવાનો અંદાજ ચૂંટણી તંત્રએ વ્યકત કર્યો હતો.

મતગણતરી સ્થળોએ કુલ 602 પોલીસ કર્મચારીઓને ફરજ ઉપર મૂકાયા
જિલ્લાના 10 તાલુકામાં મત ગણતરી કેન્દ્રો ખાતે કુલ 9 પીઆઇ, 31 પીએસઆઇ, 192 હેડ કોન્સ્ટેબલ અને 370 લોકરક્ષક મળી કુલ 602 પોલીસ કર્મીઓને બંદોબસ્તમાં મૂકાયા છે.

ટેબલદીઠ 5 કર્મીઓ રહેશે
ચૂંટણીમાં બે-ત્રણ પંચાયત દીઠ એક-એક ચૂંટણી અધિકારી નિમાયેલા છે. 57-57 મુખ્ય અને મદદનીશ ચૂંટણી અધિકારી છે. જેઓ મત ગણતરી પૂર્ણ થયે પરિણામ જાહેર કરશે. મત ગણતરીના એક ટેબલ ઉપર ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારી, સુપરવાઇઝર, મદદનીશ અને સેવક મળી કુલ 5 કર્મચારીઓ રહેશે.

એક વોર્ડની મત ગણતરીમાં ઓછામાં ઓછો અડધો કલાકનો સમય લાગી શકે છે
એક વોર્ડની મત ગણતરીમાં ઓછામાં ઓછો અડધો કલાકનો સમય લાગશે. ચૂંટણી અધિકારી એક ગ્રામ પંચાયતની વોર્ડ અને સરપંચની મત ગણતરી પૂર્ણ થયા પછી તેમના તાબાની બીજી ગ્રામ પંચાયતની મત ગણતરી કરશે. શરૂઆતમાં માત્ર વોર્ડ હોય કે ઓછા વોર્ડ સાથે સરપંચની ચૂંટણી હોય એવી પંચાયતોને મત ગણતરીમાં લેવા જે-તે મામલતદાર સ્તરેથી આયોજન કરાયું છે. જોકે વધુ મતદારો ધરાવતી પંચાયતોના પરિણામ આવતાં સમય લાગશે. સૂત્રો મુજબ, જિલ્લાની તમામ 105 પંચાયતની મત ગણતરી પૂરી થવામાં રાત્રે 10 થઇ શકે છે. રિ-કાઉન્ટિંગ આવે તો વધુ સમય લાગી શકે.

મત ગણતરી સ્થળ
ખેરાલુ : મામલતદાર કચેરી, મિટિંગ હોલ
વડનગર : મામલતદાર કચેરી, મિટિંગ હોલ
સતલાસણા : પ્રજાપતિ આર્ટસ કોલેજ
વિસનગર : નૂતન સર્વ વિદ્યાલય
વિજાપુર : વી.આર. ઝવેરી હાઇસ્કૂલ
કડી : આદર્શ હાઇસ્કૂલ, દેત્રોજ રોડ, કડી
બહુચરાજી : ગવર્મેન્ટસ આર્ટસ કોલેજ
જોટાણા:એન.પી.પટેલ પોલિટેકનિક કોલેજ
મહેસાણા : જિલ્લા સહકારી સંઘ, સુખાપુરા
ઊંઝા : બંસીધર વિદ્યાલય, વાડીપરા ચોક

જિલ્લામાં સરપંચ માટે સૌથી વધુ 85.91 ટકા મતદાન સતલાસણામાં અને સૌથી ઓછું 68.05 ટકા ઊંઝા તાલુકામાં થયું
મહેસાણા જિલ્લાના 10 તાલુકામાં 104 ગામની સામાન્ય ચૂંટણીમાં સરપંચ માટે કુલ 75. 66 ટકા મતદાન થયું છે. જેમાં કુલ 2,85,032 પૈકી 2,15,649 મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. જ્યારે 69,383 મતદારો (24. 34 ટકા) મતદાનથી અળગા રહ્યા છે. જિલ્લામાં સરપંચ માટે સૌથી વધુ 85.91 ટકા મતદાન સતલાસણા તાલુકામાં અને સૌથી ઓછું 68.05 ટકા ઊંઝા તાલુકામાં થયું છે. ઉપરાંત, ખેરાલુની મહિયલ ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમાં 79.91 ટકા મતદાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...