ફરિયાદ:જમીનમાંથી નામ કઢાવવાનું કહેતાં ખેડૂત પર હુમલો કરાયો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડી તાલુકાના​​​​​​​ લક્ષ્મણપુરાની ઘટના, 3 સામે ગુનો

કડી તાલુકાના લક્ષ્મણપુરામાં જમીનમાંથી નામ કઢાવી નાખવાનું કહેનાર યુવક પર 3 શખ્સોએ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. જે અંગે બાવલુ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. લક્ષ્મણપુરા ગામના નવાપરા પટેલવાસમાં રહેતા ભરત ગણપતભાઇ પટેલ બુધવારે સાંજના ગામમાંથી ઘરે જતા હતા, તે સમયે ઘર આગળ ઊભેલા જયેશ હરજીભાઇ પટેલને ભરત પટેલે તેમની જમીનમાંથી હરજીભાઇનું નામ કઢાવી લેવાનું કહ્યું હતું. આ મામલે ઉશ્કેરાયેલા જયેશ પટેલે અપશબ્દો બોલી ધોકા વડે ભરત પટેલને માર માર્યો હતો.

આ દરમિયાન જયેશ પટેલનું ઉપરાણું લઇને તેમના ભાણા ખાવડ ગામના ઉત્તમ ઉર્ફે બીટ્ટુ સંજયભાઇ પટેલ અને યશ ઉર્ફે મોન્ટુ સંજયભાઇ પટેલે ધોકા અને ગડદાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત ભરત પટેલને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ મામલે બાવલુ પોલીસે 3 શખ્સો સામે ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...