તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેચાણ ઘટ્યું:કોરોનાના કેસોની સાથે દવાબજારનું ટર્નઓવર 50% ઘટ્યું

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લામાં એપ્રિલ-મેમાં રૂ.200 કરોડના ટર્નઓવર સામે હાલ મહિને રૂ.100 કરોડનું વેચાણ
  • ફેબીફ્લૂ, પલ્સ ઓક્સિમીટર, માસ્ક, સેનેટાઇઝર સહિતનાં વેચાણ ઘટ્યાં

ગત એપ્રિલ-મે મહિનામાં કોરોનાની પીક સમયે મહેસાણા જિલ્લામાં હોલસેલ અને રિટેલ દવા બજારમાં અંદાજે રૂ.200 કરોડથી વધુનું ટર્નઓવર થતું હતું, જે ચાલુ મહિને ઘટીને 50 ટકાએટલે કે રૂ.100 કરોડ આસપાસ આવી ગયું છે. એમાંયે કોરોનાની સારવારમાં ઉપયોગી ટેબ્લેટ, ઇન્જેક્શનના ઓર્ડર છેલ્લા પખવાડિયાથી કેમિસ્ટથી ડીલરોને મળતા બંધ થયા છે, થોડો સ્ટોક હોલસેલ માર્કેટમાં છે, તેનો ઉપયોગ જરૂરિયાત મુજબ વેચાણમાં સપ્લાય થઇ રહ્યો છે.

મહેસાણા શહેર સહિત જિલ્લામાં નાના-મોટા 1100 મેડિકલ સ્ટોર્સ અને 300 હોલસેલર કેમિસ્ટો હોઇ ઉત્તર ગુજરાતમાં મહેસાણા હોલસેલ દવાનું હબ ગણાય છે. કોરોનાના પીક સમયે કંપની ડીલરોને ડિમાન્ડ કરતાં કેમિસ્ટોને 25 ટકા દવા મળતી હતી અને એકાદ-બે દિવસમાં ખપત થઇ જતાં રોજરોજ ઓર્ડર લખાવવા પડતા હતા, પરંતુ હવે કોરોનાના કેસ સાવ તળિયે આવતાં દવાબજારમાં ખરીદી અને વેચાણ રૂટીન મોડમાં આવ્યું છે. કેમિસ્ટ હિતેન્દ્રભાઇ પટેલે કહ્યું કે, એપ્રિલ- મેમાં એન-95 સહિત ક્વોલિટી માસ્કનું મેડિકલ સ્ટોર્સથી અંદાજે રોજ ત્રણ થી ચાર હજાર માસ્કનું વેચાણ થતું, જે હાલ ઘટીને માંડ 300-400 થાય છે.

ઉમિયા કેમિકલ્સના અનિલભાઇ બારોટે કહ્યું કે, એપ્રિલ-મે મહિનામાં સેનેટાઇઝરની ડિમાન્ડ હતી તેના કરતાં હાલમાં માંડ 10 ટકા ડિમાન્ડ છે. જનરલ સ્થળો તેમજ વ્યક્તિગત રીતે સેનેટાઇઝરનો વપરાશ પાછો ધીરે ધીરે ઘટીને ખૂબ ઓછો થયો છે.પટેલ મેડિકલ સ્ટોર્સના રાજુભાઇ પટેલે કહ્યું કે, કોવિડ વખતે તો દવા સ્ટોક આવે અને ખપત થઇ જતો. હાલ કોવિડ સંબંધી દવાઓનું વેચાણ લગભગ બંધ જેવું છે. હવે ડાયાબિટીસ, બ્લડપ્રેસર વગેરે રૂટીન દવાનું વેચાણ થાય છે. તાવ-શરદી, ઉધરસની દવાનું વેચાણ પણ ઓછું થઇ ગયું છે.

દવા-સાધનોના વેચાણમાં ઘટાડો

દવાપહેલાહાલમાં
ફેબીફ્લૂ30 હજારએક-બે સ્ટ્રીપ
વિટામીન-સી20 હજાર3-5 હજાર
એઝીથ્રોમાઇસીન15-20 હજાર2-3 હજાર

એનોક્સાપેરીન ઇન્જ.

5-6 હજાર200-300
પેરાસીટામોલ25-30 હજાર3-4 હજાર

મીથીલીન બ્લ્યુ ઇન્જ.

1000એક-બે
માસ્ક4-6 હજાર300-400
પલ્સ-ઓક્સિમીટર15000 (મહિનામાં)એક-બે

કેટલીક દવાનો સ્ટોક કર્યો પણ કેસો ઘટતાં વેચાણ બંધ થયું
મહેસાણા કેમિસ્ટ એસો.ના પ્રમુખ કુંજનભાઇ મોદીએ કહ્યું કે, ગત એપ્રિલ-મેના અરસામાં કંપનીમાં ફેબીફ્લૂની રોજ જિલ્લામાં 15 થી 20 હજાર ટેબ્લેટનું વેચાણ થતું. કોરોના કેસ મે અંતમાં ડાઉન થતાં ફેબીફ્લૂ સહિત કોવિડ સંબંધી દવાઓનું વેચાણ બંધ થયું. કેટલાક કેમિસ્ટ, સ્ટોકિસ્ટને ત્યાં 100-200 કે તેથી વધુ સ્ટ્રીપ્સ પડી રહી છે. જિલ્લામાં આ ટેબ્લેટનો અંદાજે રૂ.20 થી 25 લાખનો સ્ટોક પડ્યો હશે. વિટામીન સી ટેબ્લેટનું હાલ 25 ટકા વેચાણ છે.

પલ્સ ઓક્સિમીટરના ભાવ 50 ટકા ઘટ્યા પણ લેનારાં નથી
જિલ્લામાં ગત એપ્રિલમાં જિલ્લામાં અંદાજે 15 હજારથી વધુ પલ્સ ઓક્સિમીટરનું વેચાણ થયું હશે. જે-તે વખતે રૂ. 1200 થી 1500 સુધીના તેના ભાવ હતા. કંપનીઓમાં ડિમાન્ડ છતાં ખાસ સ્ટોક મળતો નહોતો. મે અંતમાં કેસો ઘટ્યા અને ડિમાન્ડ પણ ઓછી થઇ. હાલમાં રૂ. 600થી 700 ભાવ થયા છે, પણ ખરીદનાર કોઇ નથી.

અન્ય સમાચારો પણ છે...