વાડે જ ચીભડાં ગળ્યાં:દારૂ ભરેલી ટ્રકના ચાલકને પોલીસે જ લૂંટ્યો

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોબાઈલ અને રોકડ લૂંટી દારૂની પેટીઓ લઈ ગયાની ટ્રકચાલકની ફરિયાદ
  • મહેસાણા શહેર ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ, 2 જીઆરડી અને 2 ટીઆરબીની અટકાયત
  • ગુનાની તપાસ ડીવાયએસપી આર.આઈ. દેસાઈને સોંપાઇ

રાજસ્થાનથી વિદેશી દારૂ ભરીને કડી ડિલિવરી આપવા જઈ રહેલા ટ્રકચાલકનું મહેસાણાના ફતેપુરા સર્કલ પાસેથી અપહરણ કરી મોબાઈલ તેમજ રોકડની લૂંટ કરી, દારૂની પેટીઓ લઈ જવા મામલે મહેસાણા શહેર ટ્રાફિક પોલીસના કર્મચારી, 2 જીઆરડી અને 2 ટીઆરબી જવાનો સામે ફરિયાદ નોંધાતાં પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. કડીના ચાંદરડા પાટિયા પાસેથી રૂ.16.56 લાખના વિદેશી દારૂ ભરેલી ટ્રક સાથે ડ્રાઈવર બબલુકુમાર સૈનીને એલસીબીએ ઝડપી લીધો હતો.

જેની પૂછપરછમાં આ ટ્રક ફતેપુરા સર્કલ પાસે શહેર ટ્રાફિક પોલીસના કર્મચારી સહિત 5 શખ્સોએ રોકાવી મોબાઈલ, રોકડની લૂંટ કરી ચાની કીટલી ઉપર લઈ જઈ દારૂની પેટીઓ પડાવી હોવાનું જણાવતાં એલસીબીના અધિકારીઓ ચોંકી ગયા હતા. તેથી ટ્રક ડ્રાઈવર બબલુ સૈનીની ફરિયાદ આધારે મહેસાણા તાલુકા પોલીસે 1 ટ્રાફિક કોન્સ્ટેબલ, 2 જીઆરડી અને 2 ટીઆરબી સામે ગુનો નોંધ્યો હતો. ગુનો નોંધાયા બાદ એસપીએ તપાસ ડીવાયએસપી આર.આઈ. દેસાઈને સોંપી હતી. માહિતી મુજબ, તમામ આરોપીને પોલીસે હસ્તગત કરી લીધા છે. કોરોના રિપોર્ટ બાદ ધરપકડ કરી આ કેસમાં વધુ પૂછપરછ કરાશે.

આ પાંચ આરોપી
1. સંજય ચૌધરી (ટ્રાફિક કોન્સ.)
2. પ્રવિણ રાવળ
3. ફિરદોશ
4. આકાશ વાઘેલા
5. સતીષ

ટ્રકચાલકને પોલીસકર્મીના નામ કેવી રીતે યાદ રહ્યાં?
ગત શનિવારે વહેલી સવારે ફતેપુરા સર્કલ ઉપર મોબાઈલ, રોકડ અને દારૂની પેટીની લૂંટ કરી ટ્રકડ્રાઈવરને છોડી મૂક્યો હતો. ત્યારબાદ ટ્રક ડ્રાઈવર કડી ડિલિવરી આપવા જતો હતો ત્યારે ચાંદરડા પાટિયા પાસે ડિવાઈડર ઉપર ચઢી જતાં ટ્રક બંધ પડી હતી. તેના પગલે રવિવારે સવારે એલસીબીએ ટ્રકમાંથી દારૂ ઝડપ્યો હતો. જે સોમવારે જાહેર કરાયું હતુ. તેથી 1 દિવસમાં ટ્રક માત્ર 25 થી 30 કિલોમીટર સુધી જ ચાલી હોવાનું સાબિત થાય છે. ફતેપુરા સર્કલથી ચાંદરડા પાટિયા વચ્ચે શું રંધાયું અને ડ્રાઈવરને ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ અને જીઆરડી, ટીઆરબીના નામ કેવી રીતે યાદ રહ્યાં? આ તમામ સવાલો ચર્ચાસ્પદ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...