કામગીરી:જિલ્લામાં ચાલુ વર્ષે 6 મહિનામાં જ 62 ટકા બેંક ધિરાણ કરી દેવાયું

મહેસાણા14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવતા વર્ષે સૌથી વધુ 56 ટકા ધિરાણ ખેતી માટે રૂ.4673.35 કરોડ અપાશે

મહેસાણા જિલ્લામાં બેંક મારફતે ખેતી, ઉદ્યોગ, શિક્ષણ, હાઉસિંગ સહિત વિવિધ સેક્ટરમાં ચાલુ વર્ષના લક્ષાંકના 62 ટકા જેટલું ધિરાણ છ મહિનામાં સપ્ટેમ્બર સુધીમાં જ થઇ ગયું છે, ત્યાર પછીના છ મહિનામાં ધિરાણ લક્ષાંકને પાર થવાનો અંદાજ મુકાઇ રહ્યો છે. ત્યારે આગામી વર્ષ 2022-23 માટે ધિરાણ રકમમાં 6 ટકાનો વધારો કરતું પ્લાનિંગ નાબાર્ડ દ્વારા જિલ્લા બેન્કર્સ કમિટીની બેઠકમાં રજૂ કરાયું હતું.

જિલ્લામાં 37 બેંકોની 384 શાખાઓ મારફતે વર્ષ 2021-22માં માર્ચથી એપ્રિલ સુધી વિવિધ સેક્ટરમાં કુલ રૂ.7800 કરોડ ધિરાણ કરવાનું પ્લાનિંગ કરાયું છે, જે પૈકી સપ્ટેમ્બર સુધીના છ મહિનામાં રૂ.4894.26 કરોડનું ધિરાણ થયું છે, જે લક્ષાંકના 62.74 ટકા છે. હજુ આગામી માર્ચ સુધીનો સમય હોઇ બેંક ધિરાણનો ગ્રાફ લક્ષાંક કરતાં વધશે.

દરમિયાન, આગામી વર્ષ 2022-23માં બેંકો મારફતે કુલ રૂ.8280 કરોડનું ધિરાણ કરવાનો અંદાજ મુકાયો છે. જે ચાલુ વર્ષ કરતાં રૂ.470 કરોડ એટલે કે 6 ટકા વધુ છે. જિલ્લા લીડ બેંકના મેનેજર બી.એસ. મીનાએ કહ્યું કે, નાબાર્ડના પોટેન્સીઅલ લીંકેજ ક્રેડિટ પ્લાનથી બેંકોમાં ધિરાણનો વાર્ષિક ક્રેડિટ પ્લાન તૈયાર કરાશે. જે ધિરાણ લક્ષાંક જિલ્લાની 37 બેંકની 384 શાખાઓને ફાળવી અપાશે.

વર્ષ 2022-23માં સેક્ટરવાઇઝ ધિરાણનું આયોજન
- ખેતી રૂ.4673.35 કરોડ 56 ટકા
- પાક ધિરાણ રૂ.2990.59 કરોડ 36 ટકા
- મધ્ય-લાંબી મુદતનું ખેતી ધિરાણ રૂ.1682.76 20 ટકા
- એમએસએમઇ સેકટર રૂ.2930 કરોડ 36 ટકા
- અન્ય ક્ષેત્ર રૂ.676.65 કરોડ 8 ટકા
- કુલ રૂ.8280 કરોડ

અન્ય સમાચારો પણ છે...