જિલ્લામાં રોગચાળો વકર્યો:જિલ્લામાં સપ્ટેમ્બરના 30 દિવસમાં ડેન્ગ્યુના 56 અને ઓક્ટોબરના 18 જ દિવસમાં 52 કેસ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહેસાણા સિવિલ હોસ્પિટલ વાયરલ ફીવરના દર્દીઓથી ઊભરાઇ - Divya Bhaskar
મહેસાણા સિવિલ હોસ્પિટલ વાયરલ ફીવરના દર્દીઓથી ઊભરાઇ
  • સતત એક મહિનો વરસાદ બાદ મચ્છરોના ઉપદ્રવથી રોગચાળાએ માથું ઊંચક્યું
  • ચિકનગુનિયાના​​​​​​​ કેસમાં પણ વધારો : સપ્ટેમ્બરમાં 16 અને ચાલુ મહિનામાં 7 કેસ સામે આવ્યા

મહેસાણા શહેર સહિત જિલ્લામાં સતત એક માસ સુધી વરસેલા વરસાદે વિરામ લીધા બાદ હવે રોગચાળાએ માથું ઊંચક્યું છે. મહેસાણા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ફીવરના દર્દીઓની સંખ્યામાં રોજ વધારો થઈ રહ્યો છે. તો ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસો પણ વધી રહ્યા છે. સપ્ટેમ્બરના 30 દિવસમાં ડેન્ગ્યુના 56 અને ઓક્ટોબરના 18 દિવસમાં 52 કેસ નોંધાયા છે. તો ચિકનગુનિયાના સપ્ટેમ્બરમાં 16 અને ચાલુ મહિનામાં 7 કેસ સામે આવ્યા છે.

મહેસાણા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ફીવરના દર્દીઓની રોજ લાઇનો લાગે છે. ખાનગી હોસ્પિટલો પણ વાયરલ ફીવરના દર્દીઓથી ઊભરાઈ રહી છે. અહીં વાયરલ ફીવરના કુલ દર્દીના 50 ટકા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના મળી રહ્યા છે. મહેસાણા સિવિલ હોસ્પિટલની માઈક્રો લેબોરેટરીમાં ઓક્ટોબર માસના 18 દિવસમાં લેવાયેલા 230 સેમ્પલો પૈકી 52 ડેન્ગ્યુ પોઝિટિવ અને 7 ચિકનગુનિયાના કેસ નોંધાયા છે. જ્યારે સપ્ટેમ્બર માસમાં લેવાયેલા કુલ 297 સેમ્પલ પૈકી 56 ડેન્ગ્યુ અને 16 ચિકનગુનિયાના કેસ સામે આવ્યા હતા. સપ્ટેમ્બર કરતાં ઓક્ટોબર માસમાં ડેન્ગ્યુના કેસ વધી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે.

આરોગ્ય વિભાગના આંકડા ઓક્ટોબર પૂર્ણ થયા બાદ મળશે
સરકારી હોસ્પિટલોના આંકડા સરળતાથી મળી જતા હોય છે. જ્યારે ખાનગી હોસ્પિટલોના આંકડા પેથોલોજી લેબોરેટરીઓ દ્વારા દરરોજ આરોગ્ય વિભાગને મળતા હોય છે. આરોગ્ય વિભાગ પાસે વાયરલ ફીવર, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના આંકડા માંગતા ઓક્ટોબર માસ પૂર્ણ થયા બાદ આખા માસના એકસાથે આંકડા મળશે તેમ જણાવાયું હતું. એક દિવસના આંકડા આપવાનો પણ ઈન્કાર કરાયો હતો.

ખાનગીમાં આવતા કેસ પૈકી 50 ટકા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના નોંધાય છે
મહેસાણાના ફિઝિશિયન ડો.વિષ્ણુ પટેલે કહ્યું કે, સતત એક માસ સુધી વરસાદ વરસતાં ભરાયેલા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. ડેન્ગ્યુ અને ચિકનગુનિયા એક જ મચ્છરથી થતા રોગ છે. મારી હોસ્પિટલમાં આવતા કુલ દર્દીઓ પૈકી 50 ટકા દર્દીઓ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના હોય છે.

અન્ય સમાચારો પણ છે...