મહેસાણા શહેરમાં છેલ્લા સાડા ત્રણ મહિનાથી વધુ સમય થયો હોવા છતાં હજુ સુધી ટીપી કમિટીની બેઠક મળી નથી. પરિણામે મોટા દબાણોના નિર્ણયો અધ્ધરતાલ રહ્યા છે. તો ટાઉન પ્લાનિંગ સ્કીમોનું આયોજન પણ સાવ ધીમું પડી ગયું હોવાનો ગણગણાટ ઊઠી રહ્યો છે.
જિલ્લામાં વસતી અને વિસ્તારની દ્રષ્ટીએ ઊંઝા શહેર કરતાં પણ મોટા મહેસાણા શહેરમાં 50 ટકા ટીપી સ્કીમો પણ હજુ ડેવલપ થઇ અમલમાં આવી નથી. વર્ષો પહેલાં મંજૂર ટીપી સ્કીમ 1 અને 2માં પણ પાલિકાને ફાળવેલા પ્લોટ પૈકી હજુ કેટલાક પ્લોટ બિન ઉપયોગી રિઝર્વ પડી રહ્યા છે. ત્યાર પછીની ટીપી સ્કીમો વિવિધ તબક્કે આગળ પ્રક્રિયામાં મંથરગતિએ હોઇ શહેરમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ ડેવપલની ગતિ ધીમી પડી છે.
આ દરમિયાન, શહેરના રાધનપુર રોડ પર આવેલા આખા શોપિંગ સેન્ટરનું બાંધકામ ગેરકાયદે થયેલું હોવા છતાં નોટિસ આપ્યા પછી નિર્ણય ટીપી કમિટી પર છોડાયો હોઇ ત્યાર પછી ટીપી કમિટીની બેઠક જ યોજાઇ નથી. ટીબી રોડ પર દબાણમાં મિલકત સીલ કર્યા પછી આગળની કાર્યવાહી ખોરંભે પડી છે. નગરપાલિકામાં છેલ્લે 13 જાન્યુઆરીના રોજ ટીપી કમિટીની બેઠક મળી ત્યાર પછી કોઇ બેઠક મળી નથી. પરિણામે શહેરમાં મોટા દબાણોને લગતાં નિર્ણયો પણ પેન્ડિંગ રહ્યાની રાવ ઉઠી છે. ત્યારે દબાણો મામલે એક ને ગોળ, બીજાને ખોળ તેવી નીતિ-રીતિ અપનાવાઇ રહ્યાનું ચર્ચાઇ રહ્યું છે.
ટૂંક સમયમાં કમિટીની બેઠક બોલાવાશે : ચેરમેન
ટીપી બેઠક અંગે ચેરમેન કનુભાઈ પટેલને પૂછતાં તેમણે કહ્યું કે, શાખા અધિકારી રજા ઉપર હતા. હવે આવી ગયા હોઇ ટૂંક સમયમાં એજન્ડાના કામો, તારીખ નક્કી કરી કમિટીની બેઠક બોલાવવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.