મહેસાણા આઇબી દ્વારા મહિલા હોમગાર્ડ મારફતે આમ આદમી પાર્ટીની જાસૂસી કરાતી હોવાની મહેસાણા લોકસભા પ્રમુખ ભગત પટેલ અને આઇબી અધિકારી એ.કે. પરમાર વચ્ચે સંવાદનો ઓડિયો વાયરલ થતાં હોબાળો મચી ગયો છે.
વાતચીતનો રેકોર્ડ ઓડિયો કલીપ સોશિયલ મીડિયામાં વાયરલ
મહેસાણાનાં મહિલા હોમગાર્ડ જીજ્ઞાબેન દરજીને આમ આદમી પાર્ટીમાં કાર્યકર તરીકે મોકલી જાસૂસી કરાતી હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના મહેસાણા લોકસભા પ્રમુખ ભગત પટેલે આઈબીના અધિકારી ઉપર કરી બંને વચ્ચે થયેલ વાતચીતનો રેકોર્ડ ઓડિયો કલીપ બુધવારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જોકે, દિવ્ય ભાસ્કર ઓડિયો અંગે પુષ્ટિ કરતું નથી. પરંતુ ઓડિયો ક્લિપમાં બંને વચ્ચે થયેલ સંવાદ અહીં રજૂ કરાયો છે.
ભાજપે કહ્યું હતું એ મુજબ હોમગાર્ડ મુક્યાં હોવાનું આઈબી અધિકારીએ સ્વીકાર્યું
અધિકારી : તમે કોણ બોલો છો
ભગત : હું ભગત પટેલ બોલું છું સાહેબ. આમ આદમી પાર્ટી મહેસાણા લોકસભા પ્રમુખ. તમારે આ બધું કરાય નહીં. જોડે રહી સરકાર તમને આના પૈસા આપે છે.
અધિકારી : ભગતભાઈ એવું નથી આમાં શું છે એમની ડ્યુટી ત્યાં પહેલાં શાહ સાહેબ છે ને હોમગાર્ડથી
ભગત : મને એમ કહો કે સરકાર તમને શેના પૈસા આપે છે. સારી કામગીરી કે લોકોને મદદરૂપ થવા.
અધિકારી : ભગત ભાઈ વાત સાચી, ઈશ્યુ આવે છે પબ્લિકના પ્રશ્નો આવે છે, એને પણ અમે ત્યાં સરકાર સુધી પહોંચાડીએ છીએ. આવેદનપત્ર છે રજૂઆતો છે એને પણ એ રીતે પબ્લિકને સપોર્ટ કરીએ છીએ.
ભગત : પરમાર સાહેબ મારી વાત સાંભળો આ તો સીધે સીધું જાસૂસી કરી એવું. જાસૂસીનો સરકાર તમને પગાર આપે છે એવું થયું ને સાહેબ. હું શું કહેવા માગું છું કે આ બેનને તમે જોડે રહીને મૂકો છો. પાર્ટીના માણસો ક્યાં જાય ક્યાં જાસૂસી કરવાની આ કેટલું યોગ્ય. સાહેબ પ્રજાના પૈસાનો ટેક્સના રૂપિયાથી સરકાર પગાર ચૂકવે છે એ પૈસાનો દુરુપયોગ કરો તમે એ યોગ્ય નથી.
અધિકારી : ના પણ ઓપન કાર્યક્રમ હોય છે અને એમાં અમે પણ હોઈએ છીએ પોલીસ બધી હોય છે
ભગત : ક્યારેય નહીં સાહેબ. આ બેન કાર્યકર બનીને અમારી જોડે જોડે જ ફરતા હોય છે.
અધિકારી : અરે..અરે. તમે ભગત ભાઈ સમજો ઓપન કાર્યક્રમ હોય છે તમે જે કલેક્ટર કચેરીમાં આવો છો અમારા માણસો પણ મળતા હોય છે. એમાં ક્યાં જાસૂસી ઓપન જ વાત છે ને.
ભગત : હું શું કહું છું સાહેબ સાંભળો સવારે 10 થી સાંજે 6નો પ્રોગ્રામ હોય છે. તમારે એમનો નોકરીનો ટાઈમ કયો છે સવારે 10 થી સાંજે 6.
અધિકારી : મારી ઓફિસમાં જ હોય છે, હાજર જ હોય છે.
સરકારી કર્મચારી તટસ્થ હોવો જોઈએ
સાહેબે કબૂલ્યું કે અમે જ મુકેલા છે. સરકારી નોકરી કરતા હોય મિટિંગમાં આવવાનું અને આ બધું કરવાનું સરકારી કર્મચારી તટસ્થ હોવો જોઈએ. છેલ્લા 6 મહિનાથી અમે ગામડા બેઠક કે પ્રોગ્રામમાં જઈએ તો બેન સાથેની સાથે હોય, પાર્ટીના બધા સમાચાર લીક થવા માંડ્યા એટલે ખબર પડી. > ભગત પટેલ, પ્રમુખ આમ આદમી પાર્ટી
આઇબી અધિકારીએ ફોન ઉપાડવાનું ટાળ્યું
આપ દ્વારા વાયરલ કરાયેલા ઓડિયો મામલે મહેસાણા આઇબી અધિકારી એ.કે. પરમારનો 4 થી 5 વખત મોબાઇલ પર સંપર્ક કરાયો હતો, પરંતુ ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું. વોટસએપ મેસેજનો પણ કોઇ જવાબ આપ્યો ન હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.