માણસાના વિહાર ગામની સીમમાં આવેલા મંદિરની બંને બાજુ 2 વર્ષ અગાઉ વડોદરાના પુરાતત્વ વિભાગે ખોદકામ શરૂ કર્યું હતું. ટુકડે ટુકડે 1 વર્ષ સુધી ઉપરછલા ખોદકામમાં 800 થી 1000 વર્ષ જૂના મંદિરના સ્ટ્રક્ચર સાથે મૂર્તિઓના અવશેષો મળી આવ્યા હતા. તેમ છતાં વિભાગે ચોમાસા પૂર્વે પુરાણ કરી સંશોધનનું કામ પડતું મુક્યું છે. જેને લઇ સ્થાનિકોમાં નારાજગી પ્રસરી છે.2021ના જાન્યુઆરી મહિનામાં વડોદરા પુરાતત્વ વિભાગ દ્વારા વિહાર ગામના વિહારીયા હનુમાનજી મંદિરની બંને બાજુ આવેલા માટીના ટેકરાનું સંશોધન શરૂ કર્યું હતું.
ટુકડે ટુકડે 1 વર્ષ ચાલેલા ખોદકામમાં લગભગ 800 થી 1000 વર્ષ જૂના 2 મંદિરોનું સ્ટ્રક્ચર મળી આવ્યું હતું. તેમજ અસંખ્ય મૂર્તિઓના અવશેષો પણ મળ્યા હતા. જોકે, ગત ચોમાસા પૂર્વે વરસાદથી ધોવાણ ન થાય તે માટે કરાયેલા ખોદકામનું પુરાણ કરી દેવાયું હતું. પરંતુ ચોમાસા પૂર્ણ થયાના ત્રણેક મહિના બાદ પણ આગળનું સંશોધનનું કાર્ય શરૂ થયું નથી. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, અત્યાર સુધીના સંશોધનમાં ખાસ કંઇ મળ્યું ન હોવાના તારણ સાથે પુરાતત્વ વિભાગે સંશોધનને પૂર્ણ વિરામ આપી દીધું છે.
બીજી બાજુ પુરાતત્વ વિભાગે કામ બંધ કરતાં આસપાસના ગ્રામજનો અને મંદિરે આવતા દર્શનાર્થીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીના ખોદકામ દરમિયાન પૌરાણિક મંદિરના સ્ટ્રક્ચર અને મૂર્તિઓના અવશેષો મળ્યા તેમ છતાં વિભાગે કામ બંધ કરી દીધું છે. અત્યાર સુધી નામ પૂરતું જ કામ થયું છે. જો ઉંડાણપૂર્વક કામ થાય તો આવનારી પેઢી ઇતિહાસને જાણી શકશે. તેમજ વડનગરની જેમ અહીં પણ અવશેષોને જાળવે તો પ્રવાસીઓની સંખ્યામાં વધારો થતાં સ્થાનિકોને રોજગારી પણ મળી રહે. કામ બંધ કરવું એ યોગ્ય નિર્ણય નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.