તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:35 સોસાયટીઓને જોડતા એરોડ્રામ રોડ પર આ ચોમાસે પણ પાણી ભરાઇ રહેશે

મહેસાણા21 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલિકા અને માર્ગ-મકાન વિભાગની ટીમે 10 વરસાદી સ્પોટ શોધી કાઢ્યા
 • રાધનપુર રોડથી ચવેલીનગર,આંબાવાડી વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાય છે, ગોપીનાળામાં ભરાતા પાણીની સમસ્યાનો પણ સામનો કરવો પડશે

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે બે દિવસ પહેલાં યોજેલી બેઠકમાં મહેસાણા શહેરમાં ચોમાસા દરમિયાન ક્યાંય લાંબો સમય વરસાદી પાણી ભરાઇ ન રહે તે માટે કેનાલો અને વરસાદી લાઇનો સાફ કરવા આપેલી સૂચનાના પગલે નગરપાલિકાએ માર્ગ અને મકાન વિભાગના ઇજનેર સાથે વિવિધ વરસાદી સ્પોટની મુલાકાત લઇ પાણી નિકાલની વ્યવસ્થા ચકાસી હતી. જેમાં ખાસ કરીને એરોડ્રામમાં પાકી કેનાલ બનતાં રોડ લેવલથી ઉંચાઇ થતાં રોડ પર વરસાદી પાણી ભરાઇ રહેતું હોઇ 35 સોસાયટીઓને ચોમાસામાં સમસ્યા નડી શકે છે. જોકે, પાણીના નિકાલ માટે એરડ્રામ પ્રશાસનને કેનાલ ખુલ્લા રાખવા જણાવાયું છે.

નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન મુકુંદભાઇ પટેલ, બાંધકામ ઇજનેર જતીન પટેલ, માર્ગ અને મકાન વિભાગના બે ઇજનેર સહિતની ટીમ દ્વારા મંગળવારે ત્રણ કલાક રાધનપુર રોડ, મોઢેરા રોડ સહિત વિવિધ રોડની સ્થળ મુલાકાત લીધી હતી. રાધનપુર રોડથી ચવેલીનગર સુધી, આંબાવાડી વિસ્તાર આસપાસની સોસાયટીઓમાં પાણી ભરાતું હોય છે. નગરપાલિકા પ્રમુખે કહ્યું કે, એરોડ્રામ આજુબાજુની 35 જેટલી સોસાયટીઓને ચોમાસામાં રોડ પર પાણી ભરાવાની મુશ્કેલી હોઇ તેનો નિકાલ કરવા ઇજનેરોને સૂચવ્યું છે.

ગોપીનાળાનું વિસ્તરણ તો કરાયું, પરંતુ તેમાં વરસાદી લાઇન જ નખાઇ નથી. પરિણામે લેવલ નહીં મળતાં અહીં વર્ષોની જેમ ચોમાસામાં વરસાદી પાણી ભરાતાં પાલિકાએ પમ્પિંગ કરીને જ તેનો નિકાલ કરવો પડશે. જ્યારે ભમ્મરિયા નાળામાં ગ્રેવીટી મળી રહેતી હોઇ વરસાદી અંડરગ્રાઉન્ડ લાઇનથી પાણી નિકાલ થઇ શકશે. જ્યારે નાગલપુર કોલેજ પાસે પણ વરસાદ થતાં એકથી બે કલાક સુધી પાણી ભરાઇ રહે છે.

ચોમાસામાં વધુ સમય પાણી ભરાવાના પ્રશ્નો ન સર્જાય તે માટે ડ્રેનેજની કુંડીઓ, વરસાદી લાઇનોની સફાઇનું કામ ચાલી રહ્યું છે
હાલ મોઢેરા રોડ અંડરપાસનું કામ ચાલે છે. જેમાં આર એન્ડ બી દ્વારા એસટી વર્કશોપ રોડ પર સ્ટ્રોમવોટર લાઇન નાખવાનું કામ ચાલુ છે. આ લાઇન નખાઇ ગયા પછી વરસાદી પાણીનો તેમાં નિકાલ થઇ શકશે. ચોમાસામાં વધુ સમય પાણી ભરાવાના પ્રશ્નો ન સર્જાય તે માટે રાધનપુર રોડ, મોઢેરા રોડ સહિતની જગ્યાએ ડ્રેનેજની કુંડીઓ, વરસાદી લાઇનની સફાઇ કરાઇ રહી છે. જ્યારે એરોડ્રામ તંત્રને રોડ લેવલ કેનાલ સાઇડ દીવાલમાં હોલ રાખવા સૂચવ્યું છે. જેથી પાણીનો કેનાલમાં નિકાલ થઇ શકે. > જતીન પટેલ, ઇજનેર નગરપાલિકા

આ 10 જગ્યાએ વરસાદી પાણી ભરાવાની શક્યતા

 • હીરાનગર
 • વાલ્મિકીનગર
 • માનવઆશ્રમ ચોકડી
 • ચોકની લીમડી
 • ગોપીનાળુ
 • નાગલપુર કોલેજ
 • મોઢેરા રોડ ઉપર નિરમા ફેક્ટરી
 • સ્વામિનારાયણ મંદિર
 • વીઆઇપીનગર સોસાયટી
 • સોમનાથ રોડ મહેસાણા શહેર તરફથી રેલવે અંડરપાસ સુધી
અન્ય સમાચારો પણ છે...