સંમેલન:7800 બહેનોએ સમજી વિચારીને જીવનની દિશા નક્કી કરવાનો સામૂહિક સંકલ્પ લીધો

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નુગરમાં 84 કડવા પાટીદાર સમાજની મહિલાઅોનું સંમેલન યોજાયું

મહેસાણાના નુગર ખાતે રવિવારે ચોરાસી કડવા પાટીદાર મહિલા જાગૃતિ સંમેલનમાં "મારી દીકરી મારું અભિયાન" કાર્યક્રમ અંતર્ગત દીકરી અને માતાનો મર્મ સમજાવી પ્રેરક માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે ઉપસ્થિત 7800થી વધુ બહેનોએ હું મારા સમાજને અને મારા માતા-પિતાને કલંકિત લાગે તેવો નિર્ણય ક્યારે પણ લઇશ નહીં, હું સમજી વિચારીને મારા જીવનની દિશા નક્કી કરી મારા સમાજનું ગૌરવ વધે તેવા કાર્ય કરીશ તેવો સામુહિક સંકલ્પ લીધો હતો.

ચોરાસી કડવા પાટીદાર સમાજ પ્રગતિ મંડળ મહેસાણા અને ચોરાસી કડવા પાટીદાર ફાઉન્ડેશન મહેસાણા પ્રેરિત ચોરાસી કડવા પાટીદાર મહિલા સમાજ આયોજિત મારી દીકરી મારું અભિમાન કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા મહિલા જાગૃતિ સંમેલન અંગે મહિલા સમાજનાં પ્રમુખ આશાબેન પટેલ (મટી)એ કહ્યું કે, દીકરીઓ હાલ નાની નાની ઉંમરે ક્યારેક માતા પિતાને કહ્યા વગર જાતે નિર્ણય લેતી હોય છે, યોગ્ય પાત્ર શોધી પરજ્ઞાતિમાં લગ્ન કરે તેનો વિરોધ નથી, પણ લગ્ન માટે યોગ્ય પાત્ર પસંદ કર્યું હોય તો દીકરી અને તેમના માતા-પિતાને પાછળથી પસ્તાવું ન પડે.

દીકરી એ સમાજનું અભિમાન છે અને આ અભિમાન કાયમ માટે જળવાઇ રહે, જેમાં માતાએ પણ દીકરી મોટી થાય એટલે તેની સાથે મિત્રતા કેળવવી જોઇએ. પોતાના મનની વાત દીકરી તેની બહેનપણીને કરે તે પહેલાં માતાને કરે. જમાના પ્રમાણે માતાએ પોતાના વિચારો, ટેકનોલોજી સાથે દીકરીઓની હરણફાળમાં બદલાવ લાવવો પડશે આવા સદ્દ વિચારો સાથે મુખ્ય વક્તા ર્ડા. જાગૃતિબેન પટેલ અને નિલાબેન પટેલે માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમમાં ચોરાસી કડવા પાટીદાર સમાજના પ્રમુખ જશુભાઇ પટેલ, પૂર્વ સાંસદ જયશ્રીબેન પટેલ, દાતા પૂર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલનાં પત્ની સરોજબેન પટેલ, સમાજની કન્વિનર હોદ્દેદારો બહેનો સહિત હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...