ભાજપને ઘેરવાનો પ્રયાસ:15 મા નાણાંપંચની ગ્રાન્ટ જિ.પંના એકેય વિપક્ષી સભ્યને આપી નહીં

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિપક્ષ નેતા સહિતના સદસ્યો આગામી સા.સભામાં પ્રશ્ન ઉઠાવશે
  • વિજાપુરની ​​​​​​​સતલાસણામાં રેતી-કંકરની ગ્રાન્ટ કોને કોને ફાળવી પ્રશ્ન કરાયો

રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી 15મા નાણાંપંચની ગ્રાન્ટ જિલ્લા પંચાયતના એકપણ વિપક્ષી સદસ્યને નહીં ફાળવતાં તમામ સદસ્યોમાં રોષ પ્રસર્યો છે અને આગામી સામાન્ય સભામાં આ પ્રશ્ન ઉઠાવવા રજૂ કરાયો છે. આ સિવાય બે તાલુકામાં રેતી કંકરની ગ્રાન્ટ કોને ફાળવી સહિતના 4 પ્રશ્નો પણ વિપક્ષ કોંગ્રેસે સામાન્ય સભા માટે રજૂ કર્યા છે.

રાજ્ય સરકારની નાણાંપંચની ગ્રાન્ટ વસ્તી અને વિસ્તારના ધોરણે જિલ્લામાં ફાળવવાની થાય છે. તેમ છતાં જિલ્લા પંચાયતના વિપક્ષના એકપણ સદસ્યને આ ગ્રાન્ટ ફાળવાઇ નથી. આવો અન્યાય કેમ અને આ ગ્રાન્ટ કયા વિસ્તારમાં કેવી રીતે ફાળવવામાં આવે છેનો પ્રશ્ન વિપક્ષના નેતા હર્ષદ પટેલ અને સદસ્યા રાજીબેન ચૌધરીએ ઉઠાવ્યો છે.

આ સિવાય, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સામે બે જગ્યાએથી લીધેલા ભથ્થાની ચાલતી તપાસમાં કેમ ઢીલાશ રાખવામાં આવે છે તેમજ વિજાપુરને સતલાસણા તાલુકામાં રેતી કંકરની ગ્રાન્ટ કેટલી અને કોની ભલામણથી ફાળવવામાં આવે છે તેમજ જિલ્લામાં નવીન પીએસસી બનાવવા માટેની દરખાસ્ત સરકારમાં કરાઇ છે કે કેમ..? સહિતના પ્રશ્નો પૂર્વ કારોબારી ચેરમેન હર્ષદ પટેલ દ્વારા સામાન્ય સભામાં ઉઠાવવા માટે રજૂ કરાયા છે.

સવાલા બેઠકનાં સદસ્યા રાજીબેન ચૌધરી દ્વારા સ્ટેશન રોડ પર આવેલા જિ.પં. શોપિંગ કોમ્પલેક્ષની ઓફિસો અને દુકાનોને વેચાણ અને ભાડાપટ્ટે આપવા માટેનું શું કર્યુંનો મહત્વનો પ્રશ્ન પણ રજૂ કરાયો છે. કોંગ્રેસના બંને સદસ્યો દ્વારા સામાન્ય સભામાં બહુમતી ધરાવતી ભાજપને ઘેરવાનો પ્રયાસ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...