મહેસાણા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 5માં ફરજ બજાવતા શિક્ષકોને લાયકાતના ધોરણે ધોરણ 6 થી 8માં શિક્ષક તરીકેનો વિકલ્પ આપતો જિલ્લા કક્ષાનો કેમ્પ આગામી તા.13મીએ બીઆરસી ભવન ખાતે યોજાશે. જેમાં પ્રથમવાર લાયકાતના ધોરણોમાં ટેટ-2 પાસનો નવો નિયમ લાગુ કરાયો હોઇ કેમ્પમાં લોઅર પ્રાયમરીથી અપર પ્રાયમરીમાં જવા શિક્ષકોનો ધસારો ઓછો રહે તેવા સંકેતો સાંપડી રહ્યા છે.
પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ કહ્યું કે, ધોરણ 1 થી 5ના શિક્ષકો પૈકી લાયકાત મુજબ ધોરણ 6 થી 8માં શિક્ષક તરીકે જવા ઇચ્છતા હોય તેમના વિકલ્પ પસંદગીના કેમ્પનું આયોજન કરાયું છે. જેમાં ધોરણ 6 થી 8માં શિક્ષક માટે પીટીસી અને ગ્રેજ્યુએટ અથવા બીએડ તેમજ ટેટ-2 પાસ સાથે અરજીઓ દરેક તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી મારફતે મંગાવાઇ રહી છે. .
જે તા.11મી સુધી ટીપીઓ કચેરીએ સ્વીકારાશે. તા.12મીએ જિલ્લા કક્ષાએ ચકાસણી થશે અને તા.13મીએ કેમ્પ યોજાશે. ઉલ્લેખનિય છે કે, ટેટ-2 પાસ કરીને ધોરણ 1 થી 5માં ફરજ બજાવતા હોય એવા શિક્ષકોને જ ધોરણ 6થી 8ના વિકલ્પની તક મળનાર હોઇ અરજીઓ ઓછી આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.