• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • Tender Of 79.150 Km Forlane National Highway From Gozaria To Patan Canceled, 39 Bus Stops With 24 Drains Including 24 Bridges, Underpasses To Be Ready

પ્રોજેક્ટ ખોરંભે:ગોઝારિયાથી પાટણ 79.150 કિમી ફોરલેન નેશનલ હાઇવેનું ટેન્ડર રદ, 24 બ્રિજ, અંડરપાસ સહિત 75 નાળાં સાથે 39 બસ સ્ટોપ તૈયાર થવાના હતા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણના ખાન સરોવર સુધી હાઈવેનો પ્રોજેક્ટ મુકાયો હતો

સરકારે મહેસાણાના ગોઝારિયાથી પાટણ સુધી 79.150 કિલોમીટરના રસ્તાને ફોરલેન નેશનલ હાઇવેમાં રૂપાંતરીત કરવાનો પ્રોજેક્ટ મુક્યો હતો. જો કે, તાજેતરમાં નેશનલ હાઇવેનો અા પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા રદ્દ થતાં હાલ પુરતો પ્રોજેક્ટ ખોરંભે મુકાયો છે. સરકાર દ્વારા પ્રોજેક્ટ મંજુર કરાયા બાદ અચાનક કોઈ કારણોસર રદ કરી દેતાં ચર્ચાનો વિષય બન્યો છે. ગોઝારિયા ગામથી પાટણના ખાન સરોવર સુધી 79.150 કિલોમીટર લાંબો રસ્તો નેશનલ હાઇવેમાં રૂપાંતરિત કરવા સરકારે અેક પ્રોજેક્ટ મુક્યો હતો. જેની તાજેતરમાં ટેન્ડર પ્રક્રિયા પણ હાથ ધરાઇ હતી.

ગોઝારિયાથી પાટણ સુધી બનનારા અા નેશનલ હાઇવેનો રૂટ મહેસાણાના ગોઝારિયાથી રામપુરા સર્કલ, પાલાવાસણા સર્કલ, શિવાલા સર્કલ, પાંચોટ સર્કલ, ધિણોજ, લણવા, ચાણસ્મા થઇ પાટણ શહેરના ખાન સરોવર નજીક પૂર્ણ થવાનો હતો. 79.150 કિલોમીટરના ફોરલેન હાઇવે પર 60 મીટરથી વધુ લાંબા 4 મોટા, જ્યારે 60 મીટરથી નાનાં 16 બ્રિજનું નિર્માણ થવાનું હતું. રૂટમાં 4 ઓવરબ્રિજ અથવા અંડરપાસ સાથે 75 નાળાં ઉભા કરવાના હતા. સમગ્ર રૂટમાં બસ સેવા માટે 39 સ્પોટ, તેમજ 15 મહત્વનાં જંકશન રહેવાના હતા.

બીજી બાજુ મહેસાણા-ચાણસ્મા હાઇવે પર ધિણોજ નજીક ટોલપ્લાઝા, 2 સ્થળે ટ્રક પાર્કિંગ, વરસાદી પાણીના સંગ્રહ અને કૃત્રિમ રિચાર્જની વ્યવસ્થા કરવાની થતી હતી. ઉપરાંત, સ્ટ્રીટલાઇટિંગ, લેન્ડસ્કેપિંગ અને વૃક્ષારોપણ, ટ્રાફિક સહાય, તબીબી સહાય, વાહન બચાવ પોસ્ટ્સ, હાઇવે ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ સાથે હાઇવે પેટ્રોલિંગ તેમજ એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડવાની થતી હતી. જો કે, અગમ્ય કારણોસર ટેન્ડર પ્રક્રિયા રદ્દ કરાતાં પ્રોજેક્ટનું કામકાજ અટવાયું છે.

અન્ય સમાચારો પણ છે...