તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:15 થી 44 % ઊંચા ભાવ હોઇ ગટર સફાઇ, બોર અને પાઇપલીકેજ મરામતનાં ટેન્ડર રદ

મહેસાણા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
કારોબારી ચેરમેન કૌશિક વ્યાસની અધ્યક્ષતામાં બુધવારે કારોબારી સમિતિની બેઠક મળી હતી. - Divya Bhaskar
કારોબારી ચેરમેન કૌશિક વ્યાસની અધ્યક્ષતામાં બુધવારે કારોબારી સમિતિની બેઠક મળી હતી.
  • મહેસાણા પાલિકાની કારોબારી સમિતિની બેઠકમાં રદ ત્રણ ટેન્ડરો રી-ટેન્ડર કરવા નિર્ણય
  • સિટી-1માં ભૂગર્ભ ગટર સફાઇ અને પમ્પિંગ સ્ટેશનની નિભાવણી માટે દોઢ વર્ષમાં છઠ્ઠીવાર ટેન્ડરિંગ કરાશે, બગીચાની નિભાવણી સહિતનાં અન્ય ટેન્ડર મંજૂર કરાયાં

મહેસાણા સિટી-1માં ભૂગર્ભ ગટરની સાફ સફાઇ અને પમ્પિંગ સ્ટેશનોની નિભાવણી, પાણીનો ટ્યુબવેલ તેમજ પાઇપલાઇન નેટવર્કમાં લીકેજ મરામત માટેના અલગ અલગ ત્રણ ટેન્ડરોમાં એજન્સીના ભાવ ઊંચા હોઇ આ ત્રણેય ટેન્ડરો નામંજૂર કરી રી-ટેન્ડર કરવાનો કારોબારી સમિતિની બેઠકમાં નિર્ણય કરાયો હતો. સિટી-1માં ભૂગર્ભ ગટર સફાઇ માટે એજન્સી નક્કી કરવા નગરપાલિકાનો પાંચમો પ્રયત્ન પણ ફેઇલ જતાં હવે છઠ્ઠીવાર પ્રયત્ન કરાશે.

નગરપાલિકાના હોલમાં બુધવારે ચેરમેન કૌશિક વ્યાસની અધ્યક્ષતામાં ચીફ ઓફિસર અલ્પેશ પટેલ અને કારોબારી સદસ્યોની હાજરીમાં મળેલી કારોબારી સમિતિની બેઠકમાં 10 કામોના ટેન્ડરો અંગે પરામર્શ કરી નિર્ણય લેવાયો હતો. ચેરમેન કૌશિક વ્યાસે કહ્યું કે, સિટી-1માં ભૂગર્ભ ગટર સફાઇ અને પમ્પિંગ સ્ટેશન નિભાવણીના કામે પાંચમા પ્રયત્ને ભાવ મંગાવતાં અંદાજે રૂ.બે કરોડની સામે એજન્સીના રૂ.2.88 કરોડના ભાવ આવ્યા હતા, જે અંદાજ કરતાં 44 ટકા વધુ હોઇ અગાઉ એજન્સીને બોલાવી નેગોસીએશન માટે ચર્ચા કરાઇ હતી.

બાદમાં ફાઇનલ ઓફર એજન્સી દ્વારા લેખિતમાં જમા કરાવેલી ન હોઇ આ કામ માટે રી- ટેન્ડર કરવા નિર્ણય કરાયો છે. એજન્સી 44 ટકા ઊંચા ભાવ પૈકી 20-25 ટકા ભાવ સુધી આવે તેવો નેગોસીએશનમાં પાલિકાએ તૈયારી દર્શાવી હતી. જોકે, એજન્સીએ તત્પરતા બતાવી ન હતી. જ્યારે ટીબી રોડ પાણીના ટ્યુબવેલ બનાવવા અંદાજે રૂ.18,44,994ની સામે એજન્સીના ભાવ 40.59 ટકા વધુ હતા, જેમાં નેગોસીએશનમાં એજન્સીએ ભાવ ઘટાડવાની તૈયારી ન દર્શાવતાં રી-ટેન્ડરનો નિર્ણય કરાયો છે.

તેમજ શહેરમાં હયાત પાઇપ લાઇનમાં થતાં લીકેજ મરામત અને નવી પાઇપ લાઇન નાખવા વાર્ષિક કામગીરી માટે અંદાજે રૂ.1.50 કરોડની સામે એજન્સીના 15.35 ટકા વધુ એટલે કે રૂ.1,73,03,131નો ભાવ આવેલો હોઇ તે ટેન્ડર પણ નામંજૂર કરી રિ-ટેન્ડર કરવા નિર્ણય કરાયો છે.સૂત્રોએ કહ્યું કે, સિટી-1માં વર્ષો જૂની ભૂગર્ભ ગટર લાઇન ઊંડી છે. નગરપાલિકા સમયાંતરે ટેન્ડરમાં વધુ, અદ્યતન સાધનોની જોગવાઇ કરતી રહી છે. જેમાં અગાઉના કેટલાક ટેન્ડરમાં એજન્સી લાયક ન થવી, કેટલીક ટેકનિકલ મુશ્કેલીઓમાં 5 પ્રયત્ન પછી પણ પાલિકા એજન્સી નક્કી કરી શકી નથી. જેથી સિટી-2 માટે નિયુક્ત દરબાર એજન્સી મારફતે હાલ સિટી-1માં ભૂગર્ભ ગટર સફાઇની કામગીરી કરાવાઇ રહી છે. હવે રિ-ટેન્ડરમાં કેટલાક સાધનોની માંગ ઓછી કરવાના સંકેતો મળ્યા છે.

આ કામમાં એજન્સીના ભાવ મંજૂર
સિટી-2માં બે વર્ષ બગીચાઓની મરામત અને જાળવણી માટે એજન્સીના રૂ. 34.56 લાખના ભાવ મંજૂર કરાયા હતા. ભૂગર્ભ ગટર યોજના અન્વયે રિપેરિંગ, નવીન ફ્રેમકવર, કુંડીઓ રોડ લેવલ બનાવવાની કામગીરીમાં એજન્સી નક્કી કરાઇ. જય વિજય નેળિયાની વરસાદી પાણીની કેનાલ બનાવવા એજન્સી નક્કી કરાઇ સહિતનાં કામો મંજૂર કરાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...