મહોત્સવ:સંગીતનગરી વડનગરમાં 24મીએ યોજાશે તાનારીરી મહોત્સવ

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીમાં 30 થી 40 ટકા દર્શકોની બેઠક વ્યવસ્થા સાથે એક દિવસીય મહોત્સવ યોજાશે
  • કાર્યક્રમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ખાસ ઉપસ્થિત રહેશે, ઘરેબેઠાં જોઇ શકાય તે માટે વેબ કાસ્ટિંગ કરાશે

સંગીત બેલડી તાના-રીરીની યાદમાં દર વર્ષે બે દિવસીય ઉજવાતા તાનારીરી મહોત્સવ ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે એક દિવસનો કરી આગામી તા.24મીએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં મહોત્સવ યોજવાનું આયોજન શરૂ કરાયું છે. જેની પૂર્વ તૈયારીના ભાગરૂપે મહેસાણા ખાતે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને સોમવારે મળેલી બેઠકમાં સંબંધિત અધિકારીઓને જરૂરી વ્યવસ્થાની સૂચના અપાઇ હતી.

વડનગરમાં તાનારીરી સંકુલમાં આગામી તા. 24મીએ મહોત્સવ યોજવાનું નક્કી કરાયું છે. સોમવારે સાંજે મળેલી બેઠકમાં ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમીના ચેરમેન પંકજ ભટ્ટ, કલેકટર એચ.કે. પટેલ, અધિક નિવાસી કલેકટર પ્રદિપસિંહ રાઠોડ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં કોવિડ ગાઇડલાઇનનું પાલન કરીને તાનારીરી મહોત્સવનું આયોજન કરવાની રૂપરેખા તૈયાર કરાઇ હતી.

સંકુલમાં બેઠક ક્ષમતાના 30 થી 40 ટકા એટલે કે મહત્તમ 500ની બેઠક વ્યવસ્થા દર્શક ગેલેરીમાં થશે. સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે આયોજન કરવા કામગીરીની જવાબદારીના આદેશો અધિકારીઓને કરાયા હતા. આયોજનની પ્રથમ બેઠક હોઇ તૈયારીઓ સૂચવાઇ હતી. જોકે, મહોત્સવમાં કલાકારોનાં નામ હવે નક્કી થનાર છે. કલાકારોની સંખ્યામાં દર વર્ષ કરતાં ઓછા સામેલ કરવાનું આયોજન કરાઇ રહ્યું છે.

આ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાનારીરી સ્થળ પર તૈયારી શરૂ કરવા નગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, વીજ સહિતના વિભાગોને જરૂરી સૂચનાઓ અપાઇ હતી. હાલ કોરોના મહામારી હોઇ તાનારીરી મહોત્સવ દરમિયાન તાનારીરી ખાતે વડનગર મેડિકલ કોલેજના સુપ્રિન્ટેન્ડેન્ટને કોવિડ કેરના નોડલ ઓફિસર બનાવાયા છે.

વર્ષ 2003 થી અત્યાર સુધીમાં 2017માં આચાર સહિંતાને લઇ મહોત્સવ યોજાયો નહોતો
વડનગરમાં વર્ષ 2003થી તાનારીરી મહોત્સવ યોજવાની શરૂઆત થઇ હતી અને ત્યાર પછી દર વર્ષે આ મહોત્સવમાં દેશના નામાંકિત સૂરસંગીતના કલાકારો મંચ પરથી કલાના કામણ પાથરતા આવ્યા છે. જોકે, વર્ષ 2017માં ચૂંટણી આચારસંહિતાના કારણે તાનારીરી મહોત્સવ એક વર્ષ યોજાયો નહોતો, એટલે આગામી 24મીએ વડનગરમાં 17મો તાનારીરી મહોત્સવ યોજાશે.

વેબ કાસ્ટિંગ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તાનારીરી મહોત્સવનું જીવંત પ્રસારણ કરાશે
અધિક નિવાસી કલેકટર પ્રદિપસિંહ રાઠોડે કહ્યું કે, દર વર્ષની જેમ ચાલુ વર્ષે તાનારીરી મહોત્સવનું વેબ કાસ્ટિંગ કરવામાં આવનાર છે. સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી પણ મહોત્સવ નિહાળી શકાશે. આજે પૂર્વ તૈયારીની સમીક્ષા બેઠક યોજાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...