વિરોધ:પડતર પ્રશ્નો હલ નહીં થતાં તલાટીઓની આજથી હડતાળ

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં લોકોના-વિકાસના કામો ખોરંભે પડશે
  • ડિઝાસ્ટર​​​​​​​ અને હર ઘર તિરંગા સિવાયની કામગીરીનો બહિષ્કાર

ગુજરાત રાજ્ય તલાટી કમ મંત્રી મહામંડળ દ્વારા સરકારે હૈયાધારણા આપ્યાના 9-9 મહિના પછી પણ 19 જેટલા પ્રશ્નોનું નિરાકરણ નહીં લવાતાં મંગળવારથી અચોક્કસ મુદતની હડતાળનું એલાન કરાયું છે. મહેસાણા જિલ્લાના 300થી વધુ તલાટીઓએ આ હડતાળમાં જોડાશે. જે અંગે સોમવારે મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પ્રાંત કચેરીમાં આવેદન પત્ર આપ્યું હતું.

જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કામગીરી તેમજ તા. 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત ગ્રામ પંચાયત કચેરીમાં રાષ્ટ્રધ્વજ પૂર્ણ માન સન્માન સાથે ફરકાવાની કામગીરી સિવાય તમામ કામગીરીનો બહિષ્કાર કરી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાની જાણ કરાઇ છે. પરિણામે ગ્રામ પંચાયતની તમામ કામગીરી ઠપ થઇ જશે.

તલાટી મહામંડળની ગત 3 જાન્યુઆરીએ વિકાસ કમિશનરની અધ્યક્ષતામાં બેઠકમાં નક્કી થયા મુજબ રાજ્ય સરકાર દ્વારા આજ સુધી હકારાત્મક પ્રતિભાવ મળ્યો નથી. જેથી પંચાયત સેવા હેઠળના 14 કેડરના 19 જેટલા પ્રશ્નોનો કોઇ ઉકેલ ન આવતાં અચોક્કસ મુદ્દતની હડતાળ પાડી છે. સત્વરે પડતર પ્રશ્નો હલ નહીં કરાય તો આંદોલન વેગ પકડશે તેમ મહેસાણા તલાટી મંડળના સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...