તંત્રની ઘોર બેદરકારી:લો.. બોલો.. બે બે વર્ષથી તોડી પાડેલા સવાલા શાળાના ઓરડા હજુ બન્યા નથી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 ઓરડા તાત્કાલિક બાંધી આપવા તાલુકા પંચાયતના સદસ્યની રજૂઆત
  • યોગ્ય સમયમાં નિકાલ નહીં આવે તો કલેક્ટર કચેરીએ આંદોલનની ચીમકી

વિસનગરના સવાલા ગામની પ્રાથમિક શાળાના ઓરડા તોડી પડાયા પછી બે વર્ષ બાદ પણ નવા ન બંધાતાં તાલુકા સદસ્યાએ ડીડીઓને લેખિત રજૂઆત કરી યોગ્ય સમયમાં શાળાના નવા ઓરડા બાંધી આપવા માગણી કરી છે.

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સવાલા પ્રાથમિક શાળામાં જર્જરિત થઈ ગયેલા 4 ઓરડા લાંબા સમય પહેલા તંત્ર દ્વારા તોડી પાડી જમીનદોસ્ત કરાયા હતા. અંદાજે બે વર્ષ પછી પણ આ 4 ઓરડા નવા બનાવાયા નથી. પરિણામે સૌથી વધુ ચોમાસામાં છાત્રોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તોડાયેલા 4 ઓરડા તાત્કાલિક નવા બનાવવા તા.પં. સદસ્ય સાબેરાબીબીએ ડીડીઓને લેખિત રજૂઆત કરી છે. યોગ્ય સમયમાં આ પ્રશ્નનો નિકાલ નહીં આવે તો મત વિસ્તારના લોકો સાથે કલેક્ટર કચેરીએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

નવા ઓરડા મંજૂર થઈને આવ્યા છે : DDO
આ અંગે જિલ્લા વિકાસ અધિકારી ડો.ઓમ પ્રકાશે જણાવ્યું કે, અમુક નવા ઓરડા મંજૂર થઈને આવ્યા છે. પરંતુ તેમાં સવાલા વાળા ઓરડા છે કે નહીં તે તપાસ કરવી પડશે.

અન્ય સમાચારો પણ છે...