તપાસ:પાકિસ્તાની નાગરિકોએ પાલિકાની પેટાચૂંટણીમાં મતદાન કર્યાની શંકા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે જિલ્લા ચૂંટણી અધિકારીને પત્ર લખી માહિતી માગતાં નવો વળાંક
  • બાકી રહેલા પ્રાંત અધિકારી સહિત બેનાં નિવેદન ત્રણ દિવસ બાદ લેવાશે : SOG

મહેસાણામાં રહેતા 6 પાકિસ્તાની નાગરિકોએ ચૂંટણીકાર્ડ કઢાવ્યા બાદ પાલિકાની પેટા ચૂંટણીમાં મતદાન કર્યું છે કે નહીં તેની વિગતો એસઓજીએ ચૂંટણી અધિકારી પાસે માંગતાં આ પ્રકરણમાં એક નવો વળાંક આવ્યો છે.મહેસાણાના લાખવડ રોડ પર ઇન્દિરાનગરની સાઈનાથ સોસાયટીમાં રહેતા 6 પાકિસ્તાની નાગરિકોએ ચૂંટણીકાર્ડ કઢાવ્યાનું જાહેર થતાં પોલીસ સહિત જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું હતું. આ મામલે પાક.ના 6 નાગરિકો સામે એ ડિવિઝન પોલીસ મથકે જાણવા જોગ ફરિયાદ પણ નોંધાવી છે.

એસઓજીની ટીમે ચૂંટણી કાર્ડ કઢાવવા મામલે સહી સિક્કા કરી આપનાર પાલિકાના વોર્ડ નંબર 11ના સદસ્ય થી લઇ મામલતદાર સહિત 4 વ્યક્તિઓનાં નિવેદન લીધાં છે. જ્યારે બાકી રહેલા પ્રાંત અધિકારી સહિત બે વ્યક્તિઓનું ત્રણ દિવસ બાદ નિવેદન લેવાશે.

બીજી બાજુ, ચૂંટણીકાર્ડ કઢાવ્યા બાદ આ 6 પાક. નાગરિકોએ પાલિકાની ગત પેટા ચૂંટણીમાં મતદાન કર્યું હોવાની આશંકા સાથે ચૂંટણી અધિકારી પાસે તેમણે મતદાન કર્યું છે કે નહીં તેની એસઓજીએ પત્ર લખી વિગતો માગી છે. આ 6 પાકિસ્તાની નાગરિકોએ પાલિકાની પેટા ચૂંટણીમાં મતદાન કર્યું હોવાની આશંકા હોવાથી ચૂંટણી અધિકારી પાસે વિગતો માગી છે અને જો તેમણે મતદાન કર્યું હશે તો તે સૌથી મોટો ગુનો બને છે તેમ એસઓજી પીઆઇ ભાવેશ રાઠોડે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...