દૂધસાગર ડેરીના રૂ.750 કરોડના કૌભાંડમાં એસીબી દ્વારા ધરપકડ કરાયેલા ડેરીના પૂર્વ ચેરમેન અને પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને સોમવારે આખરે સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. મહેસાણાની નીચલી સેશન્સ કોર્ટ જે શરત નક્કી કરે તેને આધીન આ જામીન અપાયા છે. ઉલ્લેખનીય છે કે, વિપુલ ચૌધરીની રેગ્યુલર જામીન અરજી સેશન્સ અને હાઇકોર્ટે ફગાવતાં સુપ્રીમ કોર્ટમાં મૂકી હતી.
દૂધસાગર ડેરીમાં ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન આચરાયેલા 750 કરોડના કૌભાંડમાં એસીબી દ્વારા ગત 15 સપ્ટેમ્બરના રોજ વિપુલ ચૌધરીની ધરપકડ કરાઈ હતી. ત્યાર બાદ મહેસાણા સેશન્સ અને હાઇકોર્ટે તેમની રેગ્યુલર જામીન અરજી ફગાવી દેતાં સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અપીલ કરી હતી.
બુધવારે આ કેસમાં પોલીસની સંપૂર્ણ તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ થવાને આરે માત્ર બે-ત્રણ દિવસનો જ સમય છે આ બે મુખ્ય મુદ્દાને લઇ સુપ્રીમ કોર્ટે વિપુલ ચૌધરીને રેગ્યુલર જામીન આપ્યા છે. પરંતુ જામીન માટેની શરતો મહેસાણા સેશન્સ કોર્ટ નક્કી કરશેનું સુપ્રીમ કોર્ટ દ્વારા કહેવાયું છે. આમ, બિનશરતી નહીં પરંતુ સેશન્સ કોર્ટને યોગ્ય લાગે તે શરતને આધિન સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન અપાયા છે. ઉલ્લેખનીય છે કે, એસીબી દ્વારા ધરપકડ કરાયા બાદ વિપુલ ચૌધરી 89 દિવસથી સાબરમતી જેલમાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.