મહેસાણા તાલુકાની સુખપુરડા સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષકની અનિયમિત હાજરીના કારણે બાળકોના શિક્ષણ ઉપર માઠી અસર પડી રહી છે. જેને લઇ સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યો સહિત ગ્રામજનોએ શુક્રવારે જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આ શિક્ષકની બદલી કરવા રજૂઆત કરી હતી અને જો સત્વરે પગલા નહીં લેવાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.
ગ્રામજનોની રજૂઆત મુજબ, સુખપુરડા શાળાના શિક્ષક કિરણભાઇ એચ. ચૌધરી શાળામાં નિયમિત આવતા નથી. મોટાભાગે ગેરહાજર રહે છે. જેથી વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂરો થતો નથી. બાળકોના શિક્ષણનો પ્રશ્ન હોઇ શિક્ષકની આવી અનિયમિતતા ચલાવી લેવાય તેમ નથી. ગામના મેહુલભાઇ ઠાકોરે કહ્યું કે, આ શિક્ષક વર્ષમાં માંડ એકાદ મહિનો શાળાએ આવતા હોય છે. ધોરણ 5ના બાળકોના અભ્યાસ ઉપર માઠી અસર પડી રહી છે.
તારીખ સાથે ડીડીઓ અને શિક્ષણ વિભાગને રજૂઆત કરી બદલી કરવા માગણી કરી છે. સોશિયલ મીડિયામાં જોયું તો આ શિક્ષક હાલ સિંગાપોરમાં હોવાનું ફોટા પરથી જાણવા મળ્યું છે. પ્રા.શિક્ષણાધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ર્ડા. ગૌરાંગ વ્યાસે જણાવ્યું કે, તપાસ કરવા મહેસાણા ટીપીઓને આદેશ કર્યો છે. સત્વરે તપાસ થઇને રિપોર્ટ આવે ત્યાર પછી આગળની કાર્યવાહી કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.