કામગીરી:એરોડ્રામનો બાકી 6.81 કરોડ વેરો વસૂલવા 3-3 મહિનાના ચેકથી પેમેન્ટ કરવા સૂચન

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા નગરપાલિકાએ ટ્રિપલ એ કંપનીને ફોર્મ્યુલા આપી
  • પેમેન્ટ નહીં ચૂકવે​​​​​​​ તો ચાર પ્લેન અને ગાડીની હરાજી કરવામાં આવશે

મહેસાણામાં એરોડ્રામમાં જૂની ટ્રિપલ એ એવિએશન અમદાવાદની કંપની પાસેથી દશેક વર્ષમાં ટેક્ષ-પેનલ્ટી મળીને પાલિકાએ કુલ રૂ. 6.81 કરોડ વસૂલવાના બાકી હોઇ કંપનીને વારંવાર જાણ કરવા છતાં રકમ ભરપાઇ થઇ નથી. ત્યારે નગરપાલિકા દ્વારા કંપનીને નોટિસ અપાયા પછી પ્રતિનિધિ સાથે પાલિકામાં સમાધાન ફોર્મ્યુલાબેઝ પરામર્શ કરાયો હતો અને ત્રણ -ત્રણ મહિનાના અંતરે તબક્કાવાર ચેકથી પેમેન્ટ કરવા સૂચવાયંુ છે. જો આમ છતાં બાકી લ્હેણા કંપની ભરપાઇ કરવા તૈયારી નહિ દર્શાવે તો સીઝ કરાયેલા ચાર પ્લેન અને ગાડીની હરાજી કરવાની કાર્યવાહી કરાશે.

તેમ નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશભાઇ પટેલે જણાવ્યુ હતું. શહેરમાં નાગરિક ઉડ્ડયન વિભાગની જગ્યાએ ગુજસેલ દ્વારા નિયુક્ત કંપની પાયલોટ માટેનું ટ્રેનિંગ સેન્ટર ચલાવે છે. જેમાં રનવે બનાવીને સેન્ટરના વિદ્યાર્થીઓને ઉડ્ડયન તાલીમ આપવામાં આવતી હોય છે. જેમાં વર્ષ 200-09થી અત્યારસુધીમાં જૂની ટ્રિપલ એ એવિએશન કંપનીએ રૂ. 6.81 કરોડ પેનલ્ટી સાથે ટેક્ષ પાલિકામાં ભરવાનો બાકી છે. દર વર્ષે 18 ટકા પેન્લટી ચઢતી હોય છે અને રકમ વધી રહી છે.

જેમાં ત્રણેક વર્ષ પહેલા નગરપાલિકા તંત્ર દ્વારા ટ્રિપલ એ કંપનીના ચાર પ્લેન, એક ટ્રાવેલ્સ(ગાડી), અંદાજે 700 મીટરના ઓફિસ હેંગરને બાકી વેરામાં સિઝ કરી દેવામાં આવેલા છે. ત્યારપછી પાલિકાએ પ્લેન હરાજીનો એક ખવત પ્રયાસ પણ કર્યો હતો પરંતુ મેળ પડ્યો નહોતો. આ ત્રિપલ એવાળી જગ્યા હજુ સીઝ રહી છે. બાદમાં ગુજસેલ દ્વારા એરોડ્રામમાં બ્લ્યુ રે કંપનીને તાલીમ સેન્ટરમાં મૂકાઇ હતી. હાલ બ્લ્યુ રે મારફતે તાલીમ સેન્ટર કાર્યરત છે અને આ કંપની વર્ષે 60થી 65 લાખનો વેરો નિયમિત ભરી રહી હોવાનું મહેસાણા નગરપાલિકાએ જણાવ્યું હતું.

દશેક દિવસમાં પેમેન્ટ નહીં ચૂકવે તો હરાજી
ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલે કહ્યું કે ત્રિપલ એ કંપનીને બાકી ટેક્સ ભરવા 50-50 લાખના ચેક સ્વરૂપે ત્રણ-ત્રણ મહિનાના તબક્કે આ રકમ ચૂકવવાની પ્રપોઝલ પાલિકા દ્વારા સૂચવાઇ છે. આગામી દશેક દિવસમાં આ બાબતે યોગ્ય પ્રતિસાદ નહિ મળે તો સીઝ પ્લેનની હરાજી કરીશું.

અન્ય સમાચારો પણ છે...