વિલંબ:એરોડ્રામમાંથી કાઢેલા ડોક્યુમેન્ટ માટે છાત્રોએ હજુ સપ્તાહ રાહ જોવી પડશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકા બાકીદાર ટ્રિપલ એ કંપનીને સાથે રાખી ડોક્યુમેન્ટ આપશે
  • ફ્લાઇંગ ટ્રેનિંગ પ્રોગ્રેસ રિપોર્ટ બુક સંસ્થાને આપવાની થતી હોઇ વિલંબ થશે

મહેસાણા પાલિકા દ્વારા રૂ.સાડા છ કરોડના બાકી વેરામાં એરોડ્રામમાં સીલ કરાયેલી ટ્રિપલ એ કંપનીની ઓફિસમાંથી તાલીમાર્થીઓના ધો. 10 અને 12ની માર્કશીટ, ફ્લાઇટ લાયસન્સ, રિપોર્ટ બુક સહિતના જરૂરી ડોક્યુમેન્ટ રજૂઆતોના પગલે સોમવારે બહાર કાઢ્યા તો ખરા પરંતુ વહીવટી કારણોસર વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ માટે હજુ એક અઠવાડિયું રાહ જોવી પડશે.

ટ્રિપલ એ કંપનીની ઓફિસોનાં સીલ ખોલી વિદ્યાર્થીઓના હિતમાં 201 જેટલી ફાઇલો, ડોક્યુમેન્ટો કંપનીના કર્મીની ઉપસ્થિતિમાં બહાર કાઢી નગરપાલિકા લવાયા છે. જોકે, કંપની તરફથી પાલિકાને જાણકારી મળી કે વિદ્યાર્થીઓની ફ્લાઇંગ ટ્રેનિંગ પ્રોગ્રેસ રિપોર્ટ બુક હાલ વિદ્યાર્થીઓ જ્યાં ટ્રેનિંગ મેળવી રહ્યા હોય તે સંસ્થાને આપવાની થતી હોઇ નગરપાલિકાના અધિકારી અને પદાધિકારી દ્વિધામાં મૂકાયા હતા.

જોકે, તાબડતોબ ચીફ ઓફિસર દ્વારા આગામી અઠવાડિયામાં ત્રણ દિવસ ટ્રિપલ એ કંપનીના જવાબદાર કર્મીને પાલિકા આવવા પત્રથી જાણ કરવા જણાવાયું છે. જેથી તેમની હાજરીમાં વિદ્યાર્થીઓને ડોક્યુમેન્ટ આપી શકાય. જ્યારે વિદ્યાર્થીઓની એફટીપીઆર બુક વિદ્યાર્થી કે સંસ્થાને સોંપવી તે અંગે સ્પષ્ટ જાણકારી મેળવી પાલિકા આગળનું કદમ ઉઠાવશે. જરૂર જણાય તો લીગલ અભિપ્રાય મેળવી લેવા અંગે પણ પદાધિકારી દ્વારા અધિકારીને સુચવાયું હતું.

ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, વિદ્યાર્થીઓના હિતમાં ઓફિસ ખોલી ડોક્યુમેન્ટ બહાર કાઢવાનો ઠરાવ કરાયો હતો. પાલિકાએ ડોક્યુમેન્ટ મેળવ્યા છે. વિદ્યાર્થીઓ ટ્રિપલ એ કંપનીમાં ડોક્યુમેન્ટ આપેલ એટલે તેમને સાથે રાખી કાર્યવાહી કરાઇ છે. હવે આગામી સોમવારથી ત્રણેક દિવસમાં વિદ્યાર્થીઓને તેમના ડોક્યુમેન્ટ પાલિકાથી પરત આપવાનું આયોજન કરાઇ રહ્યું છે. આ અંગે ટ્રિપલ એ કંપનીના જવાબદારને હાજર રહેવા જાણ કરાશે. જે કંઇ આખરી વ્યવસ્થા નિર્ણય લેવાશે તે મુજબ વિદ્યાર્થીઓને સત્વરે ડોક્યુમેન્ટ મળે તેવા પ્રયાસો કરાશે.

અન્ય સમાચારો પણ છે...