મહેસાણાના ફતેપુરા સર્કલ નજીક પાલોદર ખાતે સરકારી હોટમિક્ષ (ડામર) પ્લાન્ટમાં હંગામીરાહે ફરજ બજાવતાં સિવિલ અને મિકેનિકલ વિભાગના તમામ 24 કર્મચારીઓ પગારમાં શોષણ થતું હોવાની રાવ સાથે હડતાળ પર ઉતરી જતાં પ્લાન્ટનું કામકાજ બંધ થઇ ગયું છે. કામદારોએ મંગળવારે જિલ્લા બહુમાળી ભવન ખાતે મદદનિશ શ્રમઆયુક્તની કચેરીમાં પગારવધારો કરી પૂરા મહિનાનો પગાર અપાવવા રજૂઆત કરી હતી.
પાલોદર સરકારી હોટમિક્ષ પ્લાન્ટના હંગામી કર્મચારીઓએ સરકારી મજૂર અધિકારીને રજૂઆત કરી છે. જેમાં છેલ્લા ઘણા સમયથી એજન્સીરાહે પગારમાં શોષણ કરાઇ રહ્યું છે. 2021-22માં નવેમ્બર થી ડિસેમ્બર તથા જાન્યુઆરી થી એપ્રિલ 2022 માસનો પગાર અમુક સરકારી કારણોસર પ્લાન્ટ બંધ હોવાનું કારણ આગળ ધરી ચુકવાયો નથી.
ચોમાસામાં ફરજ બજાવતા હોવા છતાં અડધો પગાર (5000) લેખે ચુકવાય છે. ચોમાસામાં પેચવર્ક હોય કે ફ્લડ જેવી ઇમરજન્સીમાં 12 કલાકથી વધારે કામ લે છે, પરંતુ જ્યારે કામ ના હોય ત્યારે ઓછા સમયની કામગીરી કરતાં પગારમાં શોષણ થાય છે. વર્ષ 1994થી 2008 સુધી સરકારી મસ્ટર પર ફરજ બજાવેલી છે અને નવા કોન્ટ્રાક્ટમાં હાલમાં દરેક કર્મીનો પીએફ 25 ટકા લેખે પગારમાંથી કપાત કરાય છે. ઘણા સમયથી સતત ફરજ બજાવતા હોવા છતાં મોંઘવારી પ્રમાણે પગાર વધારો કરાતો નથી.
પ્લાન્ટમાં ડ્રાઇવર, હેલ્પર, પ્લાન્ટ ઓપરેટર, લેબ ટેકનિશિયન, લેબ હેલ્પર સહિતના હંગામી કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતાં પ્લાન્ટમાં સોમવારથી કામકાજ ઠપ થઇ ગયું છે.સૂત્રોએ કહ્યું કે, હાલ સરકારી રાહે જગુદણ એપ્રોચ તેમજ ખેરવા એપ્રોચ એમ બે રોડનું રિસરફેસિંગનું કામ ચાલુ હોઇ હડતાળના પગલે બંધ કરવું પડ્યું છે. એજન્સીને વ્યવસ્થા કરવા નોટિસ અપાશે તેમ સૂત્રોએ કહ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.