ગૌરવ:કડીની 25 વિદ્યાર્થિનીઓની ઝોનલ બેન્ડ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પસંદગી

મહેસાણાએક મહિનો પહેલા
  • મહિલા કેટેગરીની છ સ્પર્ધક ટીમ પૈકી મહેસાણાની 25 વિદ્યાર્થિનીઓની ટીમ પ્રથમ નંબરે વિજેતા બની હતી
  • રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજનારી સ્પર્ધામાં આ વિદ્યાર્થિઓ પોતાનું કૌશલ્ય રજૂ કરશે

મહેસાણા જિલ્લાના કડી તાલુકાની 25 વિદ્યાર્થિનીઓની ઝોનલ બેન્ડ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પસંદગી થઈ છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે યોજાનારી સ્પર્ધામાં આ વિદ્યાર્થિનીઓ ભાગ લેશે. ઝોનલ બેન્ડ સ્પર્ધામાં મહિલા કેટેગરીની છ સ્પર્ધક ટીમ પૈકી મહેસાણાની 25 વિદ્યાર્થિનીઓની એક ટીમ પ્રથમ નંબરે વિજેતા બનતા રાજ્ય કક્ષાની બેન્ડ સ્પર્ધામાં પસંદગી પામી છે. જેઓ આગામી 31 તારીખે રાજ્ય સ્તરે પોતાનું આગવું કૈશલ્ય રજૂ કરશે.

મહેસાણા જિલ્લામાં રમત-ગમત અને કલા ક્ષેત્રે શાળાના વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસ પર આગામી 31 ઓક્ટોબરના રોજ રાજ્ય કક્ષાએ યોજનારા નેશનલ ઇન્ટર બેન્ડ કોમ્પીટીશનના ભાગ રૂપે ગુજરાત ઝોનના મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને બનાસકાંઠા મળી કુલ 7 જિલ્લાની ટીમે હિંમતનગર ખાતે ઝોનલ બેન્ડ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

જેમાં 7 બોયસ અને 6 ગર્લ્સ ટીમો પૈકી ગર્લ્સ કેટેગરીમાં મહેસાણા જિલ્લાના કડી તાલુકાની શેઠ ડી.પી.પટેલ સંસ્કાર વિદ્યાલય નાની કડીની 25 વિદ્યાર્થીઓએ સતત બીજી વાર આ બેન્ડ સ્પર્ધા માં પ્રથમ આવતા રાજ્ય કક્ષાએ પસંદગી પામી છે. આગામી 31 મીએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાજ્ય કક્ષાએ યોજનારા બેન્ડ સ્પર્ધામાં આ વિદ્યાર્થિઓ પોતાનું કૌશલ્ય રજૂ કરશે.

અન્ય સમાચારો પણ છે...