તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાતની દીકરીએ સિલ્વર જીત્યો:મહેસાણાની ભાવિના પટેલને રાજ્ય સરકાર 3 કરોડ આપશે, ગામમાં દિવાળી જેવો માહોલ

મહેસાણાએક મહિનો પહેલા
  • ભાવિનાએ પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતી દેશનું નામ રોશન કર્યું
  • મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ભાવિના પટેલને અભિનંદન પાઠવવામા આવ્યા
  • રાજ્ય સરકારે પુરસ્કારની જાહેરાત કરતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો

ટોક્યોમાં યોજાઈ રહેલા પેરાલિમ્પિકમાં ગુજરાતની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં સિલ્વર મેડલ મેળવી પેરાલિમ્પિક-2021માં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો છે. ભાવિના પટેલની આ સિદ્ધિ પર દેશ આખો ગર્વ લઈ રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત ભાવિના પટેલને પ્રોત્સાહન રૂપે 3 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવાની જાહેરાત કરવામા આવી છે. આર્થિક મુશ્કેલીઓને સામનો કરી આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધી મેળવનાર દિવ્યાંગ દીકરી માટે આટલી મોટી રકમના પુરસ્કારની જાહેરાત થતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.

રાજ્ય સરકાર દ્વારા પ્રોત્સાહનરૂપે 3 કરોડના પુરસ્કારની જાહેરાત
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પેરા ઓલિમ્પિક્સ રમતોમાં ટેબલ ટેનિસ રમતમાં આગવી સિધ્ધિ મેળવી દેશને ગૌરવ અપવાનારી ગુજરાતના મહેસાણા જિલ્લાની દીકરી ભાવિના પટેલને અભિનંદન પાઠવ્યા છે. મુખ્યમંત્રીએ ગુજરાત અને ભારતને વિશ્વ સ્તરે પોતાના ખેલ કૌશલ્યથી ગૌરવ અપાવનારી આ દીકરી ભાવિના પટેલને રાજ્ય સરકારની દિવ્યાંગ ખેલ પ્રતિભા પ્રોત્સાહન પુરસ્કાર યોજના અંતર્ગત પ્રોત્સાહન રૂપે 3 કરોડ રૂપિયાનો પુરસ્કાર આપવાની પણ જાહેરાત કરી છે.

મનોબળથી ધારેલા લક્ષ્યાંકો પાર પાડી શકે છે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતની દીકરીઓને ભાવિના પટેલમાંથી પ્રેરણા મેળવી રમત-ગમત ક્ષેત્રે આગળ વધવાનો સંદેશ પણ પાઠવ્યો છે. તેમણે રમત-ગમત ક્ષેત્રે કારકિર્દી ઘડી ગુજરાત અને દેશનું વિશ્વકક્ષાએ પ્રતિનિધિત્વ પ્રતિભાવંત ખેલાડીઓ કરી શકે તે માટે અનેક વિધ યોજનાઓ થી સહાયરૂપ થવા રાજ્ય સરકાર સદાય તત્પર હોવાનું જણાવ્યું હતું. રૂપાણીએ કહ્યું કે, ‘વ્યક્તિ સ્ત્રી-દીકરી હોય કે દિવ્યાંગ હોય મહેનત અને મનોબળથી ધારેલા લક્ષ્યાંકો પાર પાડી શકે છે’ તે વાત ગુજરાતની દિવ્યાંગ રમતવીરાંગના ભાવિના પટેલે પુરવાર કરી છે.

'એક સમય હતો કે ભાવિનાના અભ્યાસ માટે ઉછીના પૈસા લેવા પડતા
'આ શબ્દો છે ભાવિના પટેલના પિતા હસમુખભાઈના. દિવ્યાંગ દીકરીની સિદ્ધીને લઈ આજે તેઓ ખૂબ જ ખુશ છે. રાજ્ય સરકાર તરફથી જાહેર કરાયેલા પુરસ્કાર બાદ હસમુખભાઈએ કહ્યું હતું કે, અમે મધ્યવર્ગીય પરિવાર છીએ, જે પુરસ્કાર મળ્યો છે તેના અમે ખુશ છીએ. જે પુરસ્કારની રકમ મળી છે તેમાંથી અમે ભાવિનાના આગળના વિકાસ માટે ઉપયોગ કરીશું. હસમુખભાઈએ કહ્યું હતું કે, ભાવિના આગળ વધે તે માટે અમે ક્યારે પાછુ વળીને જોયું નથી. જરુરિયાત મુજબ અમને જ્યાંથી ઉછીના પૈસા મળ્યા ત્યાંથી અમે લીધા છે.

ભાઈઓની મહેનત અંતે રંગ લાવી
ભાવિનાના ભાઈએ જણાવ્યું હતું કે, અમારી બહેન દિવ્યાંગ હતી. પણ અમે ભાઈઓએ નક્કી કર્યું હતું કે, ગમે તે થાય બેનને ઓલિમ્પિક સુધી પહોંચાડવી છે અને મેડલ જીતાડવામા મદદ કરવી છે.ભાવિનામાં રમત પ્રત્યેનો જે ઉત્સાહ હોત તે અમે ક્યારેય ભાંગવા દીધો નથી. પૈસા ના હોય તો અમે ઉછીના પૈસા મેળવી તેના અભ્યાસ માટે અમે પાછી પાની કરી નથી. એક સમય હતો કે, અમારે ઉછીના પૈસા લેવા પડતા હતા. પણ આજે ભાવિનાએ જે સિદ્ધિ હાંસલ કરી છે તે બદલ સરકાર દ્વારા જે પુરસ્કાર જાહેર કરાયો છે તેનાથી અમે ખૂબ ખુશ છીએ.

મહેસાણાના સુંઢિયા ગામમાં દીવાળી જેવો માહોલ
મહેસાણાના સુંઢિયા ગામના વતની ભાવિના પટેલે આજે વહેલી સવારે જ ટોક્યો પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસના મહિલા સિંગલ્સમાં વર્ગ-4ની કેટેગરીમાં ભારતને પ્રથમ મેડલ અપાવોય્ હતો. જેને લઈ ગ્રામજનોમાં ખુસીનો માહોલ છવાયો છે. ગ્રામજનોએ આજે ગામમાં એક મોટી LED સ્ક્રિન લગાવી મેચ નિહાળી હતી. ભાવિનાએ સિલ્વર મેડલ મેળવતા જ ગામમાં ઉજવણી કરવામા આવી હતી.

60 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના છ ખેલાડીઓ ઓલિમ્પિકમાં
રાજ્ય સરકારના સઘન પ્રયાસોને કારણે ગુજરાત રાજ્યની સ્થાપના બાદ 60 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યની છ ખેલાડીઓ ટોક્યો ખાતે ચાલી રહેલી ઓલિમ્પિક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે. ટોક્યો ઓલમ્પિકમાં ત્રણ અને પેરાઓલમ્પિક ગેમમાં ત્રણ એમ ગુજરાતની એક સાથે છ મહિલા ખેલાડીઓની પસંદગી વૈશ્વિક રમત સ્પર્ધાઓમાં થઈ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીના પ્રોત્સાહક નિર્ણય ને પગલે ગુજરાતની તમામ છ દીકરીઓને પ્રત્યેકને રૂપિયા 10 લાખની સહાય ઓલિમ્પિક રમતોમાં ભાગ લેવા જતા પહેલા પૂર્વ તૈયારીઓ માટે આપવામાં આવી હતી.

સિદ્ધિ બદલ પ્રોત્સાહિત કરવાની નીતિ
મુખ્યમંત્રી એ પેરાલિમ્પિક કે દીવ્યાંગો માટેના સ્પેશિયલ ઓલમ્પિક રમતોમાં વિજેતા બની ગુજરાતને ગૌરવ અપાવનારા રાજ્યના દિવ્યાંગ ખેલાડીઓને પણ તેઓની સિદ્ધિ બદલ પ્રોત્સાહિત કરવાની નીતિ અપનાવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા પેરા ઓલિમ્પિક ગેમ્સમાં સુવર્ણ પદક જીતનારને રૂપિયા પાંચ કરોડ, રજત પદક વિજેતાને રૂપિયા ત્રણ કરોડ અને કાંસ્યપદક વિજેતાને રુપિયા બે કરોડ પ્રોત્સાહક ધન રાશિ દિવ્યાંગ ખેલ પ્રતિભા યોજના હેઠળ આપવાનો નવતર અભિગમ રમત ગમત વિભાગે શરુ કર્યો છે.

રમતવીરો તૈયાર કરવાની સરકારની નેમ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન મુજબ આ વર્ષના બજેટમાં રાજ્યના 6 હજાર ગામડાઓમાં વિવિધ રમતો માટે મેદાન તૈયાર કરવા રૂ 30 કરોડ અને જીલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ સ્કુલ બનાવવા માટે રૂ 27 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. રાજ્યમાં સ્પોર્ટ્સનું વૈશ્વિકકક્ષાનું માળખું ઉભું કરી ગુજરાતને ઓલમ્પિક સ્પર્ધાઓના આયોજન કરવા સક્ષમ બનાવવાની અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોમ્પિટ કરે તેવા રમતવીરો તૈયાર કરવાની સરકારની નેમ છે.

અન્ય સમાચારો પણ છે...