યોજના:દેશીગાય નિભાવ સહાય, જીવામૃત કીટ યોજના માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાકૃતિક ખેતીની બે યોજના માટે આઇ ખેડૂત પોર્ટલ પર 15 ઓગસ્ટ સુધી રજીસ્ટ્રેશન થઇ શકશે

રાજ્યના ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટે અને ઉત્પાદન વધે તેમજ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોની સંખ્યામાં વધારો થાય તે માટે સરકાર દ્વારા બે યોજના શરૂ કરાઇ છે. જેમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂત પરિવારને એક દેશી ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિ મહિને રૂ.900ની તેમજ જીવામૃત બનાવવા કીટ આપવાની યોજનાનું રજીસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યું છે. આ બંને યોજનાનો લાભ લેનાર ખેડૂતોએ 15મી ઓગસ્ટ સુધી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

જે ખેડૂત દેશી ગાય આધારીત પ્રાકૃતિક ખેતી કરતાં હોય તેવા ખેડૂત પરિવારને એક દેશી ગાય દીઠ મહિને રૂ.900ની સહાય ચુકવવામાં આવશે. આ માટે ખેડૂત પાસે આઇડેન્ટીફિકેશન ટેગ ધરાવતી દેશી ગાય હોવી જરૂરી છે. તેમજ અરજદાર ખેડૂતે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલી હોવી જરૂરી છે. બીજી બાજુ પ્રવાહિત જીવામૃત બનાવવા 200 લિટરનું ઢાંકણ વગરનું ડ્રમ, 10 લિટરના બે પ્લાસ્ટીક ટબ અને 10 લિટરની એક પ્લાસ્ટીક ડોલની કીટ આપવામાં આવશે. જેમાં પ્રતિ કીટના થનાર ખર્ચના 75% અથવા રૂ.1350 પૈકી જે રકમ ઓછી હશે તે મુજબ સહાય મળવાપાત્ર રહેશે.

આ બંને યોજના માટે 5 જુલાઇથી આઇ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટ્રેશન શરૂ થયું છે. જે 15 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. અરજદાર ખેડૂતે પ્રિન્ટઆઉટ અરજી સાથે ખેડૂતે 8-અની નકલ, સંયુક્ત ખાતેદાર હોય તો અન્ય ખાતેદારનું સંમતીપત્રક અને બેંક પાસબુક અથવા રદ કરેલો ચેક જોડી અરજી કર્યાના 7 દિવસમાં જે-તે સેજાના ગ્રામસેવક, બીટીએમ, એટીએમ કે પછી પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્માની કચેરીએ રજૂ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...