પ્રિ-મોન્સુન કામગીરી:ચોમાસામાં મહેસાણાને ડૂબાડૂબ થતું બચાવવા પાણીના માર્ગોની સફાઇ શરૂ

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નગરપાલિકાની પ્રિ-મોન્સુન કવાયત, 30 મે સુધીમાં કામ પૂર્ણ કરાશે
  • 10 વિસ્તારોમાં ગટર, કેનાલ અને વરસાદી પાણીની લાઇનોમાંથી કચરો ઉલેચાયો

મહેસાણા નગરપાલિકા દ્વારા આગામી ચોમાસા પહેલાં શહેરમાં પ્રિ-મોન્સુન કામગીરી હાથ ધરાઇ છે. અત્યાર સુધીમાં 10 જેટલા વિસ્તારોમાં ગટરની કુંડીઓ, કેનાલ અને વરસાદી પાણી નિકાલની લાઇનોમાંથી કચરો ઉલેચી સફાઈ કરાઇ છે અને શહેરના બાકીના તમામ વિસ્તારોમાં આગામી 15 દિવસમાં આ કામગીરી પૂરી દેવાશે તેમ પાલિકાના સૂત્રોએ કહ્યું હતું. આ સાથે પમ્પિંગ સ્ટેશનોની ચેમ્બરોની પણ સફાઇ શરૂ કરાઇ છે.

નગરપાલિકા પ્રમુખ, કારોબારી ચેરમેન સહિત પદાધિકારીઓની સૂચનાના પગલે સેનેટરી ઇન્સપેક્ટર દ્વારા 12 મેથી ચોમાસામાં વરસાદી પાણીનો અવરોધ વગર નિકાલ થઇ શકે તે રીતે સાફ સફાઇ કરાવવા વોર્ડ ઇન્સપેક્ટરોને માર્ગદર્શન આપી સાફસફાઇ શરૂ કરાઇ છે. જ્યાં જરૂરિયાત હોય ત્યાં જેસીબી લગાવીને કેનાલ સફાઇ આરંભાઇ છે. સેનેટરીના 8 વોર્ડની ટીમ મારફતે ચોમાસામાં ચોકઅપ થતી વરસાદી પાણીની લાઇનો, કેનાલો તેમજ ગટરની કુંડીઓની સફાઇનું કામ 30 મે સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષાંક અપાયો છે.

અત્યાર સુધીમાં બિલાડી બાગ, હિરાનગર ચોક, વિકાસનગર, પરશુરામ ગાર્ડન રોડ, લાખવડી ભાગોળની ગટરની મેઇન કુંડીઓ, ભોંયરાવાસ અને રાધનપુર રોડ રામોસણામાં વરસાદી પાણીની કેનાલ, દ્વારકાપુરી રોડમાં ગટરની કુંડીઓ, બાહુબલી રોડમાં વરસાદી લાઇન અને કુંડીઓ, ટીબી રોડ કૃષ્ણધામથી સિવિક સેન્ટર સુધી ગટરના મેઇન હોલની સફાઇ કરાઇ છે.

હજુ એરોડ્રામ રોડ દીવાલ સાઇડ કેનાલ, ગાયત્રી મંદિર રોડ કેનાલ, પુનિતનગર, જયવિજય, ગોપીનાળા સહિતના વિસ્તારમાં વરસાદી પાણીની કેનાલોની સફાઇ કરવામાં આવશે. પાલિકાના બાંધકામ વિભાગ દ્વારા ગોપીનાળા વરસાદી પાણીના સમ્પની સફાઇ તેમજ માર્ગ-મકાન વિભાગ હસ્તકના રામોસણા અંડરપાસમાં સમ્પની સફાઇ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...