આશ્વાસન:સોમનાથ રોડ હાઉસિંગમાં વારંવાર ગટર ઉભરાતાં ત્રસ્ત રહીશો પાલિકા દોડી ગયા

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવંુ પમ્પીંગ ચાલુ થયે સમસ્યા હલ થવાનું પાલિકાએ આશ્વાસન આપ્યું

મહેસાણાના સોમનાથ રોડ સાત માળીયા પાછળ નીચાણમાં આવેલ હાઉસિંગ અંધેરી વિસ્તારમાં ગટરલાઇન નંખાઇ ત્યારથી વારંવાર લાઇન ચોકઅપ થઇને ગંદા પાણી બેક મારીને વિસ્તારમાં ફેલાતા અસહ્ય વાસથી રહીશોમાં રોગચાળો ફેલાવાની ભીતિ સર્જાય છે. તેમજ આવનજાવનમાં મુશ્કેલીઓથી કંટાળીને ગુરુવારે નોકરી, ધંધાનો સમય છોડીને નગરપાલિકા દોડી ગયા અને પ્રમુખ સમક્ષ કાયમી સમસ્યા હલ કરવા માંગ કરી હતી.

વિસ્તારના રમેશભાઇ મકવાણા સહિત રહીશોએ કહ્યું કે, 175 પરિવારોનો અહીં વસવાટ છે. પરંતુ ગટરલાઇન નંખાાઇ ત્યારથી ગંદા પાણી ઉભરાઇને ભરાઇ રહેવાની સમસ્યા સર્જાઇ છે. વિસ્તાર નીચાણમાં જોઇ યોગ્ય જોઇન્ટના અભાવે ગટરના પાણી પાછા પડી રહ્યા છે. જેમાં પાલિકામાં રજૂઆત કરીએ એટલે જેટીંગ મશીનથી સફાઇ કરાય છે. પછી ફરી ગટરો ઉભરાય છે. આ સમસ્યાથી કંટાળી ગયા છીએ અને સત્વરે હલ કરવા માંગ કરી હતી.

પાલિકામાં પ્રમુખે તાબડતોબ ડ્રેનેજ શાખાના કર્મીએ બોલાવી પરીસ્થિતિનો તાગ મેળવ્યો હતો. જેમાં ડ્રેનેજ શાખાના કર્મીએ કહ્યું કે, સોમનાથ રોડ, માનવ આશ્રમ, વિસનગર લીંક રોડ સહિતની ગટરલાઇનના પાણીનો બિલાડી બાગ પમ્પીંગથી નિકાલ થઇ રહ્યો છે. આ પમ્પીંગ સ્ટેશન ક્ષમતા કરતા વધુ રોજ 22 કલાક ચાલુ રહે છે. નીચાણના કારણે પાણીનું લેવલ જળવાતું ન હોઇ એટલે પાણી બેક મારવાની સમસ્યા સર્જાય છે. હવે નવા પમ્પીંગ સ્ટેશન કાર્યરત થશે એટલે બે વિભાગમાં પાણી સપ્લાયનો લોડ વહેચાતા સમસ્યા હલ થશે.

જોડાણનું કામ કરાવવા પાલિકા કાર્યરત : પા.પ્ર.
પ્રમુખ વર્ષાબેન એમ પટેલે કહ્યું કે, બિલાડી બાગમાં નવું પમ્પીંગ સ્ટેશન બની રહ્યુ છે. છેલ્લા 10 દિવસથી જીઇબીથી કનેક્ટિવિટીની કામગીરી કરાવવા પાલિકા ટીમ કાર્યરત છે. રૂ. 15 લાખ ભરપાઇ કરીને બિલાડી બાગમાં નવુ વીજ જોડાણ લીધું છે.

અન્ય સમાચારો પણ છે...