રાજ્ય સરકાર દ્વારા સરકારી ભવનોમાં પણ સોલાર સિસ્ટમ લગાવવામાં આવી રહ્યા છે. જેમાં નગરપાલિકાના વધુ વીજ વપરાશની મિલક્ત સ્થળોએ સોલાર સિસ્ટમની શક્યતા ચકાસતી સ્થળ તપાસ બાદ મહેસાણા શહેરમાં હાઇટેન્શન વીજ લાઇનના પાણી સપ્લાયના ચાર સ્થળે રૂ. 4.26 કરોડના ખર્ચે કુલ 566.23 કિલોવોટની સોલાર પેનલ સિસ્ટમ મંજૂર કરવામાં આવી છે. સરકાના જીયુડીએમ વિભાગ દ્વારા એજન્સીરાહે પાણીના 4 સમ્પ-હેડવર્કસ વિસ્તારમાં આગામી માર્ચ સુધીમાં સોલાર સિસ્ટમ લગાવવાની કામગીરી શરૂ થઇ જશે તેમ પાલિકાના સૂત્રોએ જણાવ્યુ હતું.
ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા મહેસાણા પાલિકા વિસ્તારમાં રૂ. 426 .47 લાખનો સોલાર પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી દ્વારા 100 દિવસના પ્રોજેક્ટમાં સોલાર પ્રોજેક્ટ લેવાયો હોઇ ઝડપથી સોલાર સિસ્ટમની કામગીરી શરૂ થશે.
જેમાં મહેસાણામાં બસસ્ટેશન સામે વોટર વર્કસ(ગેરેજ)માં 62.10 કિલો વોટ, નાગલપુર સમ્પ 88.57 કિલો વોટ, ગાંધીનગર લીંક રોડ સધીમાતા સમ્પમાં 308.64 કિલો વોટ અને મહાશક્તિ ગ્રાઉન્ડ સમ્પમાં 106.92 કિલોવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ લગાવવામાં આવશે.આ ચારેય સ્થળે કુલ 566.23 કિલોવોટ સોલાર પેનલ સિસ્ટમ પાછળ કુલ રૂ. 426.47 લાખ ખર્ચાશે.
નગરપાલિકાના સૂત્રોએ કહ્યું કે, હાલ બસસ્ટેશન સામે વોટરવકર્સ અને ટ્યુબવેલથી પાણી પાછળ સરેરાશ દર મહિને-બે મહિને રૂ. 6 લાખ વીજ બીલ આવી રહ્યું છે. આજ રીતે મહાશક્તિ ગ્રાઉન્ડ સમ્પનું રૂ. 6 લાખ, નાગલપુર સમ્પનું રૂ. 3.5 લાખ, સધીમાતા સમ્પનું રૂ. 4.5 લાખ વીજબીલ પાલિકાને આવી રહ્યુ છે.
વર્ષે આ ચાર પાણી હેડવર્કસ ચલાવવામાં વીજબિલ પાછળ અંદાજે રૂ. 1.20 કરોડથી વધુ ખર્ચ થઇ રહ્યો છે. હવે પ્રતિ કિલો વોટ સોલારમાં ચારેક યુનિટ વીજ વપરાશ ચાલે તો દર મહિને રૂ. 50 હજાર હજાર લેખે ચાર સ્થળના રૂ. બે લાખ સોલારથી વીજબિલમાં પાલિકાને બચત થઇ શકશે. એટલે વર્ષે રૂ. 24 લાખથી વધુની વીજ બિલમાં સોલાર સિસ્ટમ લાગ્યા પછી બચત થવાનો અંદાજ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.