શહેરમાં ગુરુવારે એક જ રાતમાં 4 સોસાયટીના 7 મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. ગાંધીનગર લીંક રોડ પર પીલુદરાનગરમાં બે અને સોમનાથ રોડ પર સિદ્ધાર્થ નગર વિભાગ-1માં એક મકાનનું તાળું તોડી તસ્કરો દાગીના અને રોકડ ચોરી ગયા હતા. જોકે, મકાન માલિકો બહાર હોઇ કેટલી રકમની ચોરી થઇ તે બહાર આવ્યું નથી. જ્યારે માનવ આશ્રમ નજીક એકલવ્ય નગર સોસાયટીમાં 2 મકાનોમાં ચોરીનો પ્રયાસ કરાયો હતો. તો રાધનપુર રોડ પર સી લીંક રોડ પર આવેલી પ્રાર્થના પરિસર સોસાયટીના બે મકાનમાંથી 3.62 લાખની મત્તા ચોરાતાં રહીશોમાં ભય ફેલાયો છે.
મહેસાણાના રાધનપુર રોડ પર બાવનના નેળિયાની સામે સી લીંક રોડ પર આવેલી પ્રાર્થના પરિસર સોસાયટીમાં રહેતા મૂળ બહુચરાજીના ધનપુરા ગામના પ્રજાપતિ અરવિંદભાઇ ભીખાભાઇના 10-બી નંબરના મકાનના બેડરૂમની બારીના સળિયા વાળી તસ્કરો અંદર ઘૂસી ગયા હતા અને ડ્રોવર તોડી તેમાંથી રૂ.10 હજારની રોકડ તેમજ રૂ.3.35 લાખના સોના-ચાંદીના દાગીના મળી રૂ.3.45 લાખની મત્તા ચોરી હતી.
જ્યારે આ સોસાયટીમાં બી-14 નંબરના મકાનમાં રહેતા દીપ રસિકભાઇ પટેલના રૂમની બારીના સળિયા વાળી અંદર ઘૂસી સોનાની વીંટી અને રૂ.2 હજાર રોકડ મળી રૂ.17 હજારની મત્તા ચોરી ગયા હતા. મકાન માલિક પરિવાર સાથે બહાર સૂતા હતા તેનો ગેરલાભ ઉઠાવી તસ્કરો હાથફેરો કરી ગયા હતા. જેની શુક્રવારે સવારે જાગ્યા ત્યારે ખબર પડતાં મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે શહેરના ગાંધીનગર લીંક રોડ પર પીલુદરાનગરમાં મકાન નં.18-બીમાં રહેતા કપિલકુમાર દશરથભાઇ મિસ્ત્રી ગુરુવારે રાત્રે પરિવાર સાથે ધાબા ઉપર સૂઇ ગયા હતા. તે સમયે ઘરના દરવાજાનો નકૂચો તોડી અંદર ઘૂસેલા તસ્કરો ચોરી કરી ભાગી ગયા હતા. ઘરમાલિકે કહ્યું કે, રાત્રે બે વાગે સૂઇ ગયા હતા, એટલે 3 થી 4ના ગાળામાં ચોરી થયાનું અનુમાન છે. જ્યારે આ જ સોસાયટીમાં સવજીભાઇ બી. કૈલા બે દિવસથી ઘર બંધ કરી વતન રાજસ્થાનના ડુંગરપુર ગયા હોઇ તેમના ઘરનું તાળું તૂટેલું જણાતાં પડોશીએ ફોન કરી જાણ કરી હતી.
જોકે, તે આવ્યા ન હોઇ ચોરીની વિગત આવ્યા પછી સ્પષ્ટ થશે તેવું પોલીસ સૂત્રોએ કહ્યું હતું. સોમનાથ ચોકડી પર અંડરપાસ નજીક આવેલ સિદ્ધાર્થનગર વિભાગ-1માં રહેતાં મહિલા ઘર બંધ કરી સુરેન્દ્રનગર ગયાં હતાં અને પડોશીએ તેમના ઘરનું તાળું તૂટેલું હોઇ જાણ કરી હતી. એ ડિવિઝન પોલીસે કહ્યું કે, એક મકાન માલિક રાજસ્થાનથી પરત આવે પછી બે મકાનવાળા સાથે પોલીસને વિગત કહેશે. જ્યારે એક મકાનમાં ચોરીનો પ્રયાસ થયાનું લાગે છે. જોકે, સાંજ સુધી ફરિયાદ નોંધાઇ નહોતી.
એકલવ્યનગરમાં બે મકાનનાં દરવાજાના નકૂચા તૂટ્યા
માનવ આશ્રમ નજીક એકલવ્ય નગર સોસાયટીમાં પણ બે મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. શુક્રવારે સવારે દરવાજાનાં નકૂચા તૂટેલા જોતાં પડોશીએ મકાન માલિકને જાણ કરી હતી. આ મકાનના દરવાજાને લોક હોઇ ચોરી થયાનું જણાયું નહોતું. જોકે, એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે કોઇ જાણકારી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.