તસ્કરો બેફામ:કડીના મોરવા ગામમાં તસ્કરો બે પશુઓની ચોરી કરી થયા ફરાર, પશુપાલકે પોલીસ ફરિયાદ નોંધાવી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાડામાંથી ફેનસિંગ કરેલા વાયર કાપી તસ્કરોએ બે પશુઓની ચોરી કરી

મહેસાણા જિલ્લામાં શિયાળાની શરૂઆત થતાંની સાથે જ તસ્કરો બેફામ બન્યા છે. ત્યારે કડી તાલુકાના બાવલું પંથકમાં આવેલા મોરવા ગામમાં મોડી રાત્રે ગાડી લઈને તસ્કરો પશુ ચોરી કરવા આવ્યાં હતા. જોકે, પશુપાલક ઉઠી જતા તસ્કરો ફરાર થયા હતા. ગાડીમાં તસ્કરો બે પશુઓની ચોરી કરી ફરાર થતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બાવલું પાસે આવેલા મોરવા ગામમાં રહેતા ઈશ્વરભાઈ રબારી રાત્રી દરમિયાન પોતાના ઘરમાં સુઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓના ઘર પાસે એક ગાડી આવી હોવાનો અવાજ આવતા પશુપાલક ઉઠી ગયા હતા અને ઘરની બહાર જઈ તપાસ કરતા એક સફેદ સ્કોર્પિયો ગાડી ઉભી હતી. ત્યારે વાડા પાસે ઉભેલા તસ્કરો પશુપાલકને જોઈ પોતાની ગાડી ત્યાંથી પુરઝડપે ચલાવી ત્યાંથી ફરાર થયા હતા.

ત્યારબાદ પશુપાલકે ગાડીનો પીછો કર્યો હતો. તેમજ બુમાબુમ કરતા ગામ લોકો ઉઠી ગયા હતા. બાદમાં પોતાના વાડામાં તપાસ કરતા જાણવા મળ્યું કે, ફેનસિંગ કરેલા વાયર કપાયેલી હાલત માં હતા. તેમજ વાડામાં પુરેલી 14 પાડીઓમાંથી બે પાડીઓ ઓછી હોવાનું જાણવા મળ્યું હતું. આ સમગ્ર ઘટનામાં તસ્કરો સ્કોર્પિયો ગાડીમાં પોતાની સાથે બે પાડીઓ ચોરી ગયા હતા. જેથી પશુપાલકને રૂપિયા 30 હજારનું નુકશાન પહોંચ્યું હતું. બાવલું પોલીસ મથકમાં અજાણ્યા ઈસમો સામે પશુ ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...