કામગીરી:જર્જરિત ગાંધી શોપિંગના સમારકામની તૈયારી, ચારેક મહિના દુકાનો બંધ રહેશે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શોપિંગના રિનોવેશન પાછળ રૂ. એક કરોડથી વધુનો ખર્ચ થવાનો અંદાજ
  • વીજજોડાણ કપાયા પછી બિલ્ડિંગનું મરામત હાથ ધરાશે : વેપારીઓ

મહેસાણામાં ગોપીનાળા પાસે મુખ્ય માર્ગ ઉપર આવેલ જર્જરિત મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટરની દુકાનો બંધ કરી રિપેરિંગ કરાવવા નગરપાલિકાએ લેખિત મંજૂરી આપી દીધી છે. બીજી તરફ, વેપારીઓ દ્વારા જીઇબી મારફતે બિલ્ડિંગનું વીજ જોડાણ કપાવવા મંગળવારે અરજી કરવામાં આવશે અને વીજ જોડાણ કપાયા પછી મરામત શરૂ કરવામાં આવશે. વેપારીઓ દ્વારા બિલ્ડિંગના મરામત માટે કોન્ટ્રાક્ટર નક્કી કરી દેવામાં આવ્યા છે અને ચારેક મહિનામાં રિપેરિંગ પૂરું થઇ જવાનો અંદાજ છે. ત્યાં સુધી ગાંધી શોપિંગ સેન્ટરની દુકાનો બંધ રાખવામાં આવશે તેમ વેપારી સૂત્રોએ જણાવ્યું હતું.

ગાંધી શોપિંગ સેન્ટર વેપારી એસો.ના વિપુલભાઇ રાવલે જણાવ્યું કે, નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા બિલ્ડિંગ રિપેરિંગ કરવાની મંજૂરી મળી ગઇ છે. નગરપાલિકા અને પોલીસ વડા કચેરીએ સહકાર આપવા પત્ર કરાશે. હવે ટૂંક સમયમાં રિનોવેશન કામગીરી શરૂ કરવામાં આવશે. અંદાજે ચાર થી પાંચ મહિના રિનોવેશનમાં લાગશે. કોન્ટ્રાક્ટર નક્કી કર્યા છે અને રિનોવેશન પાછળ કુલ મળીને રૂ. એક કરોડ ખર્ચ થવાનો અંદાજ છે. વેપારી જીગ્નેશભાઇ પટેલે કહ્યું કે, મંગળવારે બિલ્ડિંગનાં લાઇટનાં જોડાણ બંધ કરવા લેખિત જીઇબીમાં અરજી કરીશું અને ત્યાર પછી બે-ત્રણ દિવસમાં રિનોવેશન કામ શરૂ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...