કુકરવાડા અને વસાઇ ગામનો ગ્રાઉન્ડ રિપોર્ટ:ઉમેદવાર કે સ્થાનિક મુદ્દા નહીં પરંતુ પક્ષને જીતાડવા જાતિઓના આધારે બેઠકો મળે છે

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુકરવાડાના મતદાન મથકોમાં 10,700 અને વસાઇના 13 મતદાન મથકોમાં 13,500 મતદારો
  • દિવસે સામાન્ય સ્થિતિમાં દેખાતાં ગામડામાં રાત પડતાં જ રાજકારણનો માહોલ જામે છે

ચિંતેષ વ્યાસ
વિજાપુર તાલુકાના મતદારોનું મોટું જૂથ ધરાવતાં ગામડાઓ પૈકી કુકરવાડા અને વસાઇ ગામ એક છે. કુકરવાડાના 10,700 અને વસાઇના 13,500 મળી બંને ગામના 24 હજારથી વધુ મત પર ત્રણેય પક્ષોની નજર છે. દિવ્ય ભાસ્કર દ્વારા બંને ગામમાં વિધાનસભાની ચૂંટણીને લઇ કેવો માહોલ છે, શું ચર્ચા ચાલી રહી છે સહિતના મુદ્દે ગ્રાઉન્ડ રિયાલિટી જાણી હતી.

કુકરવાડા ગામના મુખ્ય પ્રવેશદ્વાર આગળથી પસાર થતાં મુખ્ય હાઇવે પર પોલીસ દ્વારા થતાં વાહન ચેકિંગ જોઇ લાગ્યું કે, ગામમાં ચૂંટણીનો માહોલ જામ્યો લાગે છે. ઉલટાનું ગામમાં પ્રવેશતાં જ રોજબરોજની જેમ સ્થિતિ સામાન્ય લાગી. ચાની કિટલી, પાનના ગલ્લાં કે જાહેર સ્થળે બેઠેલા ગ્રામજનો ચૂંટણીના મુદ્દે કોઇ ચર્ચા કરતાં ન હતા. આ સ્થિતિ બાજુમાં આવેલા વસાઇ ગામમાં પણ જોવા મળી હતી.

બંને ગામમાં ચૂંટણીનો માહોલ કેમ ફિકો લાગી રહ્યો છે એ મુદ્દે બંને ગામના કેટલાક યુવાનો અને વડિલો સાથે વાત કરી તો ખ્યાલ આવ્યો કે, દિવસ સામાન્ય સ્થિતિમાં દેખાતાં ગામડામાં રાતના અંધારામાં બેઠકોનો દોર શરૂ થાય છે. ચૂંટણી પ્રચાર કયા મુદ્દે અને કેવી રીતે થાય છે તે અંગે પ્રશ્ન પૂછતાં જાણવા મળ્યું કે, ચૂંટણીની બેઠકો ઉમેદવાર કે સ્થાનિક મુદ્દાઓ (જરૂરિયાતો અને સમસ્યાઓ)ને નથી મળતી. એથી ઉલટું બેઠકમાં પક્ષના સ્થાનિક આગેવાનો કઇ જાતિના વધુને વધુ મત ખેંચી શકાય તે માટે જે-તે જાતિના અગ્રણીઓને સાથે લઇ ચર્ચા કરાય છે. બંને ગામમાં હંગામી ખુલેલા રાજકિય પક્ષોના કાર્યાલયમાં ભેગા થવાને બદલે પક્ષ અને ઉમેદવારને લઇ ગામમાં મનદુ:ખને ટાળવા એકબીજાની જાણ બહાર બેઠકોનો દોર શરૂ થયો છે.

બંને ગામના 5 સ્થાનિક મુદ્દાઓ છતાં ચૂંટણીમાં કોઇ ચર્ચા નહીં..
બંને ગામના યુવાઓ અને વડીલો સાથે વાતચીત મુજબ બંને ગામના 5 સ્થાનિક મુદ્દા છે. છતાં ચૂંટણી પહેલાં મળતી બેઠકોમાં ચર્ચા થતી નથી. કુકરવાડાની વાત કરીએ તો, 1997થી તાલુકોના દરજ્જો આપવાની માંગ છે. આ સાથે ગામના વિકાસ માટે આધુનિક બસ સ્ટેશનનો વિકાસ થતો નથી. વસાઇમાં નવું બસ સ્ટેશન બન્યું છે, પણ બસો આવતી નથી. બંને ગામમાં રેલવેનો એક મુદ્દો સરખો છે. ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ પણ બંને ગામમાં રેલવેની માંગ સાથે આધુનિક રેલવે સ્ટેશનની વાત આગળ વધતી નથી.

અન્ય સમાચારો પણ છે...